પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકનુ વાવેતર કરવાથી સરેરાશ ઉત્પાદનમાં વધારો થાય છે : મિશ્ર પાકથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિત જરૂરી પોષક તત્વો મળી રહે છે

હિન્દ ન્યુઝ, બોટાદ

     મુખ્ય પાકની સાથે વાવવામાં આવતા સહજીવી પાકની પસંદગીઃ જ્યારે મુખ્ય પાક એકદળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા, વટાણા સહિતના સહજીવી પાકો ઉગાડી શકાય છે. તેમજ જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાકનું મૂળ ઊંડે જમીનમાં વધારે ઊંડુ ના હોય તે રીતે મિશ્ર પાકની પસંદગી કરવી જોઈએ. જેમકે, કપાસ તેમ જ તુવેરનાં મૂળ ઊંડા જાય છે, જ્યારે મગ અને અડદના મૂળ ઉપર રહેતાં હોય છે.

    સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી અથવા એક તૃતીયાંશ વય મર્યાદાનો હોવો જોઈએ. એટલે કે, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જતો હોવો જોઈએ. જેમકે, સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવતી શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવી જોઈએ, તેમજ શેરડીની સાથે મગ અથવા અડદ વાવી શકાય છે.

    સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જેમ કે, સહજીવી પાકના રૂપમાં બધા જ પ્રકારના દ્વિદળ (દાળ વર્ગીય), તરબૂચ, ચીભડા, કાકડી વગેરે લઈ શકાય. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય, તો સહજીવી પાક તેવો લેવો જોઈએ કે, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. જેમકે શેરડીમાં હળદર તેમ જ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય.

   આ ઉપરાંત મુખ્ય પાક એવો હોય, કે જેનાં પાન ઓછા ખરતાં હોય ત્યારે સહજીવી પાક એવો લેવો જોઈએ કે, જેનાં પાન વધુ ખરતાં હોય જેમાં તમામ કઠોળ વર્ગના પાકો લઈ શકાય. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થશે જેમકે મકાઇ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો સહિતના પાકોમાં કીટક આવતા હોય છે આથી આવા પાકનુ વાવેતર મિશ્ર પાક તરીકે લેવામાં આવે તો મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ આપોઆપ થઈ જશે. આમ, મિશ્ર પાકોનુ વાવેતર કરવાથી મુખ્ય પાકોને અમુલ્ય ફાયદાઓ થાય છે અને સાથે સાથે ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો જોવા મળે છે.

   મિશ્ર પાકોના ફાયદાઓઃ મુખ્ય પાક સાથે સહાયક પાક લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મુખ્ય પાકના વાવેતરનો ખર્ચ સહાયક પાક લેવાથી તેમાંથી વળતર રૂપે મળી જાય છે. મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિત જરૂરી પોષક તત્વો મળે છે. જે સહયોગી પાકના મૂળમાં રહેતા રાઈઝોબિયમ, એઝોસ્પીરીલમ અને એઝોટોબેક્ટર જેવા બેક્ટેરિયાની મદદથી મુખ્ય પાકની વૃદ્ધિને સરળ બનાવવામાં ખુબ ઉપયોગી છે. મુખ્ય પાક અને સાથી પાકના વિરોધાભાસી ગુણધર્મોને કારણે મિશ્ર પાક કુદરતી જીવાત નિયંત્રણમાં પરિણમે છે.

   પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એ આજના સમયની માંગ છે. કુદરતી ખેતી પદ્ધતિમાં મુખ્ય પાકની સાથે સહાયક પાકો લેવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બે કે તેથી વધુ પાક એકસાથે લેવાથી સરેરાશ ઉત્પાદનમાં પણ વધારો થાય છે.

Related posts

Leave a Comment