હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ૩૫ જેટલા યુવકો એ.સી. અને ફ્રીજની રીપેરીંગ તાલીમ લઇ રહ્યા છે.
ડી.આર.ડી.એ. અને આરસેટી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોબાઇલ રીપેરીંગ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીની તાલીમ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં ૪૦ જેટલા યુવકો નિ:શુલ્ક તાલીમ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ. કે. વસ્તાણી, આરસેટી નિયામક વિજયસિંહ આર્ય, ડી.એલ.એમ. વી.બી.બસીયા, એ.પી.એમ. એલ્વિશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.