હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રામાણિકતા, નિષ્ઠા અને સતર્કતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આ શપથ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કચેરીના ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓએ દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી, ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવા તેમજ જાહેર જીવનમાં પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન અને જનજાગૃતિના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ (Vigilance Awareness Week-2026)ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વર્ષના સતર્કતા જાગૃતિ સપ્તાહના વિષયવસ્તુને અનુરૂપ રાજ્યના વિવિધ વિભાગો, વિભાગીય ખાતાના વડાઓ અને તેમના તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો તેમજ સ્થાનિક સત્તા મંડળો દ્વારા ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
