વડોદરા શહેર-જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા 

 શનિવારે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા એસ.બી.આઈ. લાઈફના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર અને જિલ્લામાંથી નિવૃત્ત થનાર કર્મચારીઓનો ભવ્ય ‘નિવૃત્ત સન્માન કાર્યક્રમ’ બરોડા અલકાપુરી સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ટેકનિકલ ભવનના નાયબ નિયામક શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદ પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે તેમજ એસ.બી.આઈ. લાઈફના પ્રાદેશિક નાયબ મેનેજર શશી શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ કર્મચારી સંઘોના પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી નિવૃત્ત કર્મીઓને શુભકામનાઓ પાઠવી હતી.

શહેર અને જિલ્લાની શૈક્ષણિક અને વહીવટી સેવાઓમાંથી નિવૃત્ત થયેલા કુલ ૧૩૧ શિક્ષકો, આચાર્યો, વહીવટી ક્લાર્ક અને સેવકભાઈઓનું આ પ્રસંગે વિશેષ સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. વહીવટી સરળતા અને પારદર્શિતાના ભાગરૂપે કચેરી દ્વારા દરેક નિવૃત્ત કર્મચારીને ફોર્મ નંબર-૨૨ અને લાસ્ટ પે સર્ટિફિકેટ સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા.

આ અવસરે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને તેમના સેવાનિવૃત્તિના આખરી દિવસે જ કચેરી દ્વારા તમામ પ્રકારના આર્થિક અને સેવાકીય લાભો પૂર્ણ કરી આપવામાં આવે છે, જેથી નિવૃત્તિ બાદ કર્મચારીઓએ કચેરીના ધક્કા ના ખાવા પડે.

કાર્યક્રમનું સમગ્ર સુચારૂ સંચાલન અને આયોજન ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ એવોર્ડી આચાર્ય-૨૦૧૮ તેમજ એસ.બી.આઈ. લાઈફના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ડો. ઘનશ્યામભાઈ ચાવડા દ્વારા વિવિધ કચેરીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને સ્પોન્સર્સ સાથે ઉત્તમ સંકલન સાધીને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment