હિન્દ ન્યુઝ, રાજકોટ
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતા સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ લોકમેળામાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મેળાના ચોથા દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી આવેલા પ્રવાસી ભીખુભાઈ માવજીભાઈએ મેળાની ભવ્યતા અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
ભીખુભાઈએ જણાવ્યું હતું કે, “માધવપુર ઘેડનો આ લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિનો જોડતો મેળો છે. અહીં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મિઝોરમ સહિત દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન જોવા મળે છે. વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકલા અને ચીજવસ્તુઓનું પ્રદર્શન ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને ઉજાગર કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે દર વર્ષે ખાસ આ મેળાનો આનંદ માણવા રાજકોટ જિલ્લાના ઉપલેટાથી અહીં આવીએ છીએ. મેળામાં જોવા મળતી દેશી ચીજવસ્તુઓ અને હસ્તકલાના નમૂનાઓ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. ગુજરાતમાં જો કોઈ પ્રથમ ક્રમનો મેળો ગણવો હોય, તો તે માધવપુર ઘેડનો મેળો છે.”
અને તેમણે પ્રવાસીઓએ મેળાની સુવ્યવસ્થિત આયોજન અને આનંદમય વાતાવરણની પ્રશંસા કરી હતી. તેમણે લોકોનો આહવાન કરતા જણાવ્યું કે, “માધવપુર ઘેડના આ લોકમેળાની મુલાકાત લઈને જ તેની ભવ્યતા અને સંસ્કૃતિનો સાચો અનુભવ મેળવી શકાય છે.”
