હિન્દ ન્યુઝ, અમદાવાદ
આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાક રક્ષક દવાઓ તથા ખાતર આપનાર કડવો લીમડો પર્યાવરણના ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે. માટે જ તે “સૌ દુઃખોની એક દવા” કે “નીમ હકીમ” તથા “ગામડાની ફાર્મસી” તરીકે ઓળખાય છે.
લીમડાના તેલની વાત કરીએ તો, લીમડાના તેલમાં એઝાડીરેકટીન, નીમ્બિન, નીંબિડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવા 100થી વધુ સક્રિય ઘટકો આવેલા છે. જે મોલોમસી, સફેદ માખી, થ્રિપ્સ, મીલીબગ વિવિધ ઈયળો જેવી 200 કરતાં વધારે નુકસાનકારક જીવાતો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. જે પ્રાકૃતિક ખેતી માટે સહાયરૂપ બની રહે છે.
લીમડાના ઝાડની છાલ વિશે વાત કરીએ તો, લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડા ઘણા સંયોજનો ધરાવે છે, જે એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટીપ્રાયરેટીક્સ, બળતરા વિરોધી અને એન્ટીફંગલ સાબિત થયેલ છે. જે આરોગ્ય સારવાર અને પ્રાકૃતિક ઔષધિ તરીકે ખૂબ જ લાભદાયી છે.
20મી સદીના ઉત્તરાર્ધમાં લીંબોળીના તેલ અને ખોળના ઉપયોગનું વ્યવસાયીકરણ થવાના પગલે આ ક્ષેત્રને વૈશ્વિક માન્યતા મળી હતી. દેશ-વિદેશના ઘણા વૈજ્ઞાનિકોએ લીમડા ઉપર ઘણા સંશોધન કર્યા હતા. તેના વિવિધ ઉપયોગો અને પર્યાવરણ રક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાનના કારણે જ લીમડાને યુનાઇટેડ નેશન્સ દ્વારા “21મી સદીના વૃક્ષ” તરીકેની ઓળખ આપવામાં આવી હતી.
લીમડાના ખોળ વિશે વાત કરીએ તો, લીમડાના દાણાને તેલમાં કચડી નાખ્યા બાદ જે વધે છે, તેને લીમડાની કેક અથવા લીંબોળી ખોળ તરીકે ઓળખવામાં આવે છે. લીંબોળીનો ખોળ જમીનને સુધારવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. લીંબોળીના ખોળના મહત્વ વિશે વાત કરીએ તો, લીંબોળીનો ખોળ એ જમીનના સૂક્ષ્મ જીવાણુઓ અને રાઈઝોસ્ફિયર માઈક્રોફ્લોર સાથે સુસંગત છે. તેથી જમીનની ફળદ્રુપતા સુનિશ્ચિત કરવામાં આવે છે. લીમડાનો ખોળ જમીનમાં કાર્બન દ્રવ્યોની સામગ્રીને સુધારે છે. જમીનના પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે અને મૂળના વધુ સારા વિકાસ માટે જમીનમાં વાયુ મિશ્રણને સુધારવામાં સહાયરૂપ નિવડે છે. આ સાથેજ જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ ઘટાડે છે અને નાઇટ્રોજનની કાર્યક્ષમતામાં વધારો કરવાનું કાર્ય લીંબોળીનો ખોળ કરે છે. આમ લીમડો એ ભારતના ખેડૂતો માટે જ નહિ પરંતુ તમામ લોકો માટે કલ્પવૃક્ષ સમાન છે.
