હિન્દ ન્યુઝ, ઉમરેઠ
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન યોજવા અને મતદારોને જાગૃત કરવા માટે એટલે કે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક કરી છે.
સ્વીપ ના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના
માર્ગદર્શન હેઠળ આજે ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનના દિવસે મતદાન જરૂરથી કરવા માટે લાગણી ભર્યા પત્ર પાઠવ્યા છે. પત્રમાં વિદ્યાર્થીઓના લખાણ મુજબ મતદાનના દિવસે સમય કાઢીને ઘરના દરેક સભ્ય જે લાયક મતદારો છે અને જેમનું નામ મતદાર યાદીમાં છે તે પૈકી કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહીએ તેમ લખીને મતદારો પોતાની ફરજ નિભાવે અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાની ફરજ અદા કરે તેવા પત્ર પણ લખ્યા છે.
સ્વીપના નોડલ અધિકારી ના જણાવ્યા મુજબ ઉમરેઠ વિધાનસભામાં આવતા દરેક ગામ ખાતે મતદારોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ મતદારો ચૂંટણીમાં મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
