સયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર

હિન્દ ન્યુઝ, વડોદરા 

          મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ વધુ એકવાર નોંધારાનો આધાર બની છે. અહીં અન્નનળીના કેન્સર માટે પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરી – લઘુત્તમ વાઢકાપ શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તેનો લાભ સામાન્ય પરિવારના એક મહિલાને વિનામૂલ્યે મળ્યો છે.આયુષ્માન ભારત હેઠળ આ રોગ પીડિતા ને જે સારવાર અહીં વિનામૂલ્યે મળી એના માટે ખાનગી દવાખાનામાં બે થી ત્રણ લાખનો ખર્ચ સામાન્ય રીતે થઈ જતો હોય છે.

               નર્મદા જિલ્લાના જીતગઢ ગામની 38 વર્ષીય મહિલાને એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે અન્નનળીના કેન્સર માટે પ્રથમવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરીનો લાભ આપવામાં આવ્યો છે.જનરલ સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલીના નેતૃત્વમાં ડો. નિમિષ શાહના સર્જીકલ ‘સી’ યુનિટમાં સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. શિવાંગ શુક્લા દ્વારા આ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

               SSG હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી પ્રાપ્ત કર્યા પછી, દર્દીની મીનીમલી ઇન્વેજીવ, ત્રણ-તબક્કાની શસ્ત્રક્રિયા કરવામાં આવી આ જટિલ પ્રક્રિયામાં અન્નનળીને હૃદય, મોટી રક્ત વાહિનીઓ, શ્ર્વાસ નળી અને ફેફસાંથી અલગ કરવા માટે નાના કીહોલ ચીરાનો આધાર લેવામાં આવ્યો છે.આનાથી છાતીનો મોટો ચીરો ટાળી શકાય છે અને ઝડપી સાજગી શક્ય બને છે.

                અત્રે નોંધવું ઘટે કે અન્નનળીના કેન્સરની સર્જરીમાં ગરદન, છાતી અને પેટમાં સર્જિકલ વાઢકાપની જરૂર પડે છે, જેના લીધે આ શલ્ય ચિકિત્સા અત્યંત જટિલ બની જાય છે. નોંધનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ રેડિયેશન અને સર્જરી સહિતની સંપૂર્ણ સારવાર દર્દીને મફતમાં આપવામાં આવી છે. તેમાં તમામ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની, સુલભ આરોગ્યસંભાળ પ્રદાન કરવાની હોસ્પિટલની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Related posts

Leave a Comment