હિન્દ ન્યુઝ, રાજકોટ
પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ભાઈઓમા પ્રથમ નંબર મેળવનાર પીયુષ બારૈયાએ ૯ મિનિટ ૧૩ સેકન્ડમા સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે બહેનોમાં વિંછીયા તાલુકાના વાંગધ્રાની બાવળીયા ત્રીશાએ ૧૨ મિનિટ ૭ સેકન્ડમા ઓસમ પર્વત સર કરી પ્રથમ નંબર હાસલ કરી નવું કીર્તિમાન સ્થાપિત કરવાની સિધ્ધિ મેળવી હતી.
પીયુષ બારૈયા હર્ષ સાથે કહે છે કે, રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુના રેકોર્ડ તોડી પ્રથમ નંબર સ્થાપિત કરવાનો મને ખુબ જ આનંદ છે. ગત વર્ષે પણ મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો અનુભવ તથા જીતવાની ધગશથી આ વખતે મેં રેકોર્ડ માત્ર ૦૯ મિનિટ ૧૩ સેકન્ડમાં બનાવ્યો છે, જેનો મને ખુબ જ આનંદ છે. આવતા વર્ષે પણ હું આ સ્પર્ધામાં ભાગ લઈશ અને મારો જ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરીશ.
માત્ર ૧૨ મિનિટ ૦૭ સેકન્ડમાં આરોહણ – અવરોહણ સર કરી નવો રેકોર્ડ બનાવનાર વિંછીયાના વાંગધ્રાની બાવળીયા ત્રીશા કહે છે કે, મારા માતા-પિતા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂ તેટલો ઓછો છે. આવી સ્પર્ધાઓ સતત યોજાતી રહે, તેથી મારા જેવી અનેક બહેનો ભાગ લઈ શકે અને જીવનમાં દરેક તબક્કે આગળ વધી શકે. મેં ઓસમ પર્વત માત્ર ૧૨ મિનિટ ૦૭ સેકન્ડમાં આરોહણ -અવરોહણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને જીતી છું. આવતા વર્ષે વધુ પ્રયત્નો કરીને મારો જ રેકોર્ડ તોડીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગિરનાર, ઓસમ, ચોટીલા સહિતના સ્થળોએ આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજી રમતવીરોને સન્માનિત કરવામાં આવે છે.