હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે, સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હૉલ ખાતે સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ થઈ હતી. આ કાર્યક્રમમાં રાજકોટથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ તકે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ રાજકોટ જિલ્લામાં વહીવટી કામગીરી તેમજ યોજનાઓના અમલમાં સર્જનાત્મક અભિગમ સાથે કામ કરવા જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન – ૨૦૨૪ અંતર્ગત કચેરીમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ કચેરીઓમાં રેકર્ડ સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવ, ડેડ સ્ટોકનો નિકાલ વગેરે બાબતો અંગે શ્રેષ્ઠ ઈમર્જિંગ – એસ્પાયરિંગ કચેરી તરીકે ત્રણ કચેરી પસંદ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક – ઘનિષ્ઠ સુધારણાની કચેરી, બીજા ક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા ત્રીજા ક્રમે અધિક્ષક ઈજનેર-પી.જી.વી.સી.એલ.ની કચેરી પસંદગી પામી છે. આજે સુશાસન દિવસે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના હસ્તે અનુક્રમે નાયબ નિયામક-પશુપાલન ડૉ. એ.એમ. ડઢાણિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, તથા પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જે.બી ઉપાધ્યાયને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
