હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તેમજ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે હેતુથી સરકારની સૂચના મુજબ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય અને નાગરિકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ સહિતની ગુણવત્તાસભર કૃષિ પેદાશો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત સહયોગથી તાલુકા સેવા સદન બહાર, પાળિયાદ રોડ, બોટાદ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વેચાણ કેન્દ્રને બોટાદ શહેરના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ વેચાણ કેન્દ્ર દર મંગળવાર અને શુક્રવારે સવારે 9:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી કાર્યરત રહે છે. અહીં બોટાદ જિલ્લાના દેશી ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત શાકભાજી, ફળપાકો, કઠોળ, મસાલા તેમજ અન્ય કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ જિલ્લાના નાગરિકોને આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
