આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન: કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી માનવ કલ્યાણના ઉમદા હેતુ સાથે આજે શહેરના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સામાજિક જવાબદારી અદા કરી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ લોકોને આ માનવીય કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો.

સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન એ માનવ કલ્યાણનું શ્રેષ્ઠ કાર્ય છે તે ભાવનાને સાર્થક કરવા માટે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલ રક્તદાન શિબિરમાં 75 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી એ રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, રક્તનું કોઈ જ વિકલ્પ નથી અને સમયસર મળેલું રક્ત કોઈની જિંદગી બચાવવા માટે નિમિત્ત બની શકે છે. રક્તદાન નિયમિત દર વર્ષે કરવું જ જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહીવટીતંત્રના સભ્યોએ પોતાનું અમૂલ્ય રક્ત અર્પણ કરી માનવસેવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ પ્રસંગે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના શૈલુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ અને રક્તદાન કરનાર રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment