નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સુબીર તાલુકાના વાહુટીયા ગામે નવનિર્મિત વાહુટીયા-૧ વિયરનુ લોકાર્પણ કરાયુ

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, સુબીર તાલુકાના વાહુટીયા ગામે સિંચાઈ વિભાગના રૂપિયા ૫.૯૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ સાથે જ મંત્રીશ્રીએ વાયદૂન ગામે સિંચાઈ વિભાગ હસ્તકના રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે બની રહેલા વિયરના ચાલુ કામની પણ મુલાકાત લીધી હતી. 

આ પ્રંસગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમા સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામા વરસતો હોય છે ત્યારે, અહીં વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી રોકી, લોકોને ખેતી તરફ વધૂ પ્રેરિત કરી શકાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે.

વાહુટીયા ગામે પૂર્ણા નદીના ઉદ્દગમ સ્થાનેથી જે વિયર બનાવવામા આવ્યા છે. તે વિયર નદીના પાણીને દરિયાના પાણીમા જતા રોકશે. રાજ્ય સરકાર ઓછા પાણીથી વધારે પાક લઈ શકાય તે માટે ચિંતિત છે. ત્યારે ખેડૂતોએ પીયત સેવા સહકારી મંડળીઓ બનાવી, ઓછા પાણીએ વધુ ખેતી થઈ શકે તે માટે ખેડૂતોને સિંચાઈની ટપક પદ્ધતિઓનો વધુ ઉપયોગ કરવા પણ મંત્રીશ્રીએ આહવાન કર્યું હતુ. 

દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી સિંચાઈ અને પીવાના પાણી માટે સતત ચિંતિત છે. તો રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ લોકોની સુખાકારી માટે સતત ચિંતિત છે. જે માટે સમગ્ર ગુજરાતમા સરકાર દ્વારા ઉદવહન યોજના તેમજ ડેમોનુ રીપેરીગ, અને નવિનિકરણ કરીને, પાણીની સુવિધાઓ પુરી પાડવામા આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામા પણ, પાણીની તંગી દૂર કરવા તમામ સુવિધાઓ ઉભી કરી પાણીની સમસ્યા દૂર થાય તે માટે રાજ્ય સરકારની તૈયારી છે. જેમા રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામા તબક્કાવાર જરૂરિયાત મુજબ ડેમો અને વિયર બનાવવામા આવનાર છે. 

રાજ્ય સરકારે શિક્ષણ તેમજ જીવનની અન્ય સુખાકારીઓ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે ત્યારે, સરકારની તમામ યોજનાઓનો વ્યાપક પણે લાભ લેવા તેમજ દીકરીઓને ભણાવવાની અપીલ પણ મંત્રીએ ઉપસ્થિત વાલીઓને કરી હતી.

આ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વિકાસ માટે પાણીની ખુબ જ જરૂરિયાત છે ત્યારે, પાણી પુરવઠા મંત્રીશ્રી દ્વારા બોર્ડર વિસ્તારના વિયરની જાત મુલાકાત લઈ ખાતમુહર્ત કરવામા આવ્યુ, જે ખુબ જ સરાહનીય બાબત છે. ડાંગ જિલ્લામા પાણીની સમસ્યા દૂર કરવા માટે તાપી આધારિત રૂ. ૮૬૬ કરોડની યોજના મંજુર કરવામા આવી છે. તેમજ અમુક ગામડાઓ જે આ યોજનાથી વંચિત છે તેઓને, વિયર જેવી યોજનાઓના લાભથી આવરી લઈ પાણીની સમસ્યા દૂર કરાશે.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમા નિર્માણ પામેલા, અને અંદાજિત રૂ.૫.૯૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પુર્ણા નદીની પ્રશાખા ઉપરના વાહુટિયા-૧ વિયરની લંબાઈ ૪૭.૧૬ મીટર અને પહોળાઈ ૨૧.૬૩ મીટર તથા ઊંચાઈ ૯.૮૦ મીટર છે. જેની જળ સંગ્રહ શક્તિ ૫.૨૦ NCFT અને લાભાન્વિત વિસ્તાર ૪૨.૧૦ હેક્ટર અંદાજવામા આવ્યો છે. તેમ દક્ષિણ ગુજરાતના જળ સંપત્તિ વિભાગના મુખ્ય ઈજનેર વ અધિક સચિવ શ્રી આર.એમ.પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ. 

ડાંગના બોર્ડર વિસ્તારમા વિયર બનવાથી પાણીની સમસ્યાઓ દૂર થશે. તેમજ ગામની અન્ય સુવિધાઓ પુરી પાડવાની અપીલ વાહુટીયા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ દેસાઈએ કરી હતી. જ્યારે સિંચાઈન પાણીની સુવિધાથી પ્રાકૃતિક ડાંગ જિલ્લાનુ નામ આગળ વધારી, પ્રાકૃતિક ખેતી કરવા માટે લાભાર્થી ખેડૂત સમદભાઈ ભોયેએ સૌ ખેડૂતોને અપીલ કરી હતી. 

આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, ખેતીવાડી અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ હરીશભાઈ બચ્છાવ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત સહિત તાલુકા/જિલ્લા પંચાયતના અગ્રણીઓ, પ્રાંત અધિકારી કાજલ આંબલિયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર હેમંતભાઈ ઢીમ્મર, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નાયબ ઇજનેર શ્રી વિનીતભાઈ પટેલ સહિતના ચિંચાઈ વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ ગામના સરપંચ તથા સભ્યઓ, અને બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહી ખાબકતા ધોધમાર વરસાદને લીધે ધસમસતા પાણીના આવરાને કારણે ટીપિકલ ડીઝાઇન મુજબના નાના ચેકડેમોની આવરદા ખૂબ ટૂંકી રહેવા પામે છે. આવા ચેકડેમોમા નદીના પાણી સાથે કાંપ, માટી, પત્થરો, વૃક્ષો વિગેરે પણ તણાઇ આવતા હોઇ, ચેકડેમોને ભારે નુકશાન પણ થતુ હોય છે. સરવાળે, આવા ચેકડેમો લોકભોગ્ય ન રહેતા, પાણીની સમસ્યા ઠેર ની ઠેર રહેવાપામે છે. 

આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૂપે વેર-૨ યોજના વિભાગ-વ્યારા હસ્તકના જુજ પ્રોજેકટ કેનાલ સબ ડિવિઝન-૨, આહવા તથા દમણગંગા કેનાલ સબ ડિવિઝન-૩, આહવા દ્વારા રાજ્ય સરકારની મંજૂરી સાથે સૂચિત સ્થળ/નદીના કોતરોની તાંત્રિક શક્યતાઓ ચકાસી, મોજણી, સંશોધન અને આલેખન બાદ ટેન્ડર પ્રક્રિયા અનુસાર મોટા ચેકડેમો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. 

આ કામગીરી અંતર્ગત ડાંગ જિલ્લામા અત્યાર સુધી દમણગંગા યોજના વર્તુળ-વલસાડ દ્વારા કુલ રૂ.૨૦૧૫.૨૩ લાખના ખર્ચે ૨૪ જેટલા ચેકડેમોનુ નિર્માણ કાર્ય પૂર્ણ કરવામા આવ્યુ છે. જેની જળ સંગ્રહ શક્તિ ૩૨.૨૭ મીટર ઘનફૂટ અને લાભાન્વિત વિસ્તાર ૮૭૬ હેક્ટર જેટલો થાય છે. તેજ રીતે ઉકાઈ વર્તુળ-ઉકાઈ દ્વારા જિલ્લામા રૂ.૬૨૦૭.૨૪ લાખના ખર્ચે ૧૧૦ ચેકડેમોનુ નિર્માણ કાર્ય સંપન્ન કરાયુ છે. જેની જળ સંગ્રહ શક્તિ ૧૯૨.૯૦ મીટર ઘન ફૂટ તથા લાભાન્વિત વિસ્તાર ૧૯૬૪ હેક્ટર છે. આમ, આ બન્ને વિભાગો દ્વારા કુલ રૂ.૮૨૨૨.૪૭ લાખના ખર્ચે ૧૩૪ ચેકડેમોનુ કામ પૂર્ણ કરાયુ છે. જેનાથી ૨૨૩.૧૭ મીટર ઘનફૂટ જળ સંગ્રહ શક્તિ સાથે ૨૮૪૦ હેક્ટર વિસ્તારને લાભ મળી રહ્યો છે. 

આ સાથે ઉક્ત બન્ને વિભાગોના કુલ રૂ.૪૭૧૧ લાખની લાગતના અન્ય ૮ જેટલા ચેકડેમોના કામો પ્રગતિ હેઠળ છે. જ્યારે અને ૨૦૨૪-૨૫ ના વર્ષમા બીજા રૂ. ૧૮૮૮ લાખની કિંમતન કુલ ૧૨ નવા ચેકડેમને રાજ્ય સરકારની વહીવટી મંજૂરી મળવા પામી છે. તો સને ૨૦૨૫-૨૬ ના વર્ષ માટે કુલ રૂ. ૭૭૪૨ લાખની કિમંતના અન્ય ૨૨ ચેકડેમ/વિયરનુ આયોજન પણ ઉક્ત વિભાગો દ્વારા ઘડી કાઢવામા આવ્યુ છે.

Related posts

Leave a Comment