ધરમપુર તીસ્કરી તલાટના ખેડૂતનું ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન

હિન્દ ન્યુઝ, સુરત

ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તેમજ જીવામૃત, ઘન જીવમૃત બનાવવાની ટ્રેનિંગ આપે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે તેમના પિતાજીના કેહવાથી કંઈક નવું કરવાની ઈચ્છથી આશરે ૧૨ વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકશાનથી માહીતગાર થતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો કરે જ છે સાથે સાથે જીવામૃત અને ઘનજીવામૃતનું વિતરણ કરી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપે છે.

ઠાકોરભાઈ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની તાલીમ પણ આપે છે. ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે તેથી પ્રાકૃતિક કૃષિ તરફ વળી પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાના દરેક પદાર્થો ગૌશાળા દ્વારા ઉપલબ્ધ થાય છે. જીવામૃત અને ઘન જીવામૃતનું ઉત્પાદન કરી આંબાવાડી, હળદર, ડાંગર, કઠોળ, શાકભાજી અને ઘરના કિચન ગાર્ડનમાં તેનો ઉપયોગ કરે છે. આંબાપાક સાથે મિશ્રપાક તરીકે હળદરનું વાવેતર કર્યું છે. ગૌશાળા સંચાલન માટે પારડી ખાતે ગૌસેવા-ગૌચર વિભાગની ત્રીદિવસીય તાલીમ અને આત્મા પ્રોજેક્ટ તરફથી પ્રાકૃતિક કૃષિની મહત્વપૂર્ણ તાલીમ મેળવી હતી. ઠાકોરભાઈએ વર્ષ ૨૦૧૫-૧૬માં માસ્ટર ડિપ્લોમા ઈન સેલ થેરેપીનો અભ્યાસ કરી ગૌશાળાની બાય પ્રોડક્ટ તરીકે વિવિધ અર્કનું પોતે વિકસાવેલી સિસ્ટમ દ્વારા ઉત્પાદન કરે છે. અર્ક બનાવવા માટેની દરેક આયુર્વેદિક વનસ્પતિઓ તેમની ખેતીમાં ઉગાડેલી છે.

વધુ માત્રામાં જરૂર હોય તે ખેડૂતોને જીવામૃત વેચાણથી પણ આપે છે. તેઓ આંબાવાડી, ગૌશાળા, ખેત ઉત્પાદનો અને અર્ક વેચાણ દ્વારા આશરે રૂપિયા પાંચ લાખની આવક મેળવે છે. આ ખેડૂત વર્ષ ૨૦૧૫માં પશુપાલન વિભાગ તરફથી શ્રેષ્ઠ ગૌશાળા અને વર્ષ ૨૦૧૯માં શ્રેષ્ઠ આત્મા ખેડૂતનો પારિતોષિક પણ મેળવી ચૂક્યા છે. તેઓ રાજ્ય સરકારનો આત્મા પ્રોજેક્ટની તાલીમ અને સહાય માટે આભાર માની અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહન આપે છે.

Related posts

Leave a Comment