હિન્દ ન્યુઝ, સુરત
સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષોરોપણ, માર્ગ સલામતી, બેટી બચાવો-બેટી પઢાઓનો સંદેશ, સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ તેમજ વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવતી વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ ભારતના વિવિધ રાજ્યોમાં પરિભ્રમણ કર્યા બાદ આજે સુરત ખાતે આવી પહોંચી હતી. પદયાત્રીઓએ સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
લોકકલ્યાણને વિશ્વ શાંતિની જાગૃતિના શુભ આશય સાથે વિશ્વના ૧૧ દેશોમાં ૦૪ લાખ ૪૮ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરીને સુરત ખાતે આવી પહોંચનાર ટીમનું સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. વર્ષ ૨૦૧૮માં દુનિયાની સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પની યાત્રા પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે. સાથે આ વિશ્વ શાંતિપદયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ૧૪ કરોડ ૫૦ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વિશ્વ પદયાત્રીઓની ટીમ દ્વારા દેશના લગભગ ૬૦૦ જિલ્લાઓ અને સમગ્ર રાજ્યોની વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી વિશેષ સંદેશો પાઠવ્યો હતો. આ ટીમમાં ૨૦ સભ્યો છે. જેમાં હાલમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ તેમની ટીમ સાથે સુરત આવી પહોચ્યા હતા.
નોંધનીય છે કે, વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રા વર્ષ ૧૯૮૦માં ૩૦મી જૂલાઈના રોજ ઉત્તરપ્રદેશના લખ્ખીમપુર ખીરીથી અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરવામાં હતી. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના ૩૩ માંથી ૨૯ જિલ્લામાં વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા પૂર્ણ કરી છે. આ પદયાત્રીઓ સુરતમાં ત્રણ દિવસ રોકાણ કરી શાળાઓમાં વિશ્વશાંતિના ઉદ્દેશો અને પર્યાવરણની જાળવણીની ઝુંબેશમાં જાગૃતિ ફેલાવશે. ત્યારબાદ તાપી જિલ્લામાં જવા રવાના થશે.