હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા ભૂતરડી ગામના રહેવાસી અને હાલ ૮૩-૮૪ વર્ષીય વિરસીંગભાઈ નલવાયાએ વર્ષ ૨૦૦૦ માં નક્કી કર્યું હતું કે, મારે રાસાયણિક ખાતર, દવા કે બિયારણ વાળું અનાજ નથી પકવવું કે નથી તો એવો ખોરાક મારા પરિવારને ખવડાવવો. છેલ્લાં ૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતીને વરેલા વિરસીંગભાઈનું કહેવું હતું કે, રસાયણ એ એવું ઝેર છે કે, જે ધીમે ધીમે આપણા શરીરમાં પ્રવેશીને ઘર કરી દે છે, જેની અસર રૂપે નાની-મોટી સમસ્યાઓ થી લઈને ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ માટે પણ હાનિકારક છે. એ રીતે તો સમગ્ર પર્યાવરણને એની ગંભીર અસર થશે. આજે જે ઠંડી-ગરમી અને ચોમાસાની અતિ તેમજ પાણીની સમસ્યા થવી એ પણ એક પ્રકારનો સંકેત જ છે કે ધરતી પર રસાયણનો વધુ પડતો ઉપયોગ થઇ રહ્યો છે. મને ખુશી છે કે, હું મારા પરિવારને ચોખ્ખું ખાવાનું આપું છું અને મારા ખેતરોની જમીન પણ રસાયણ મુક્ત છે, એમ કહેતાં ગવરસિંગ નલવાયા ખુશી સાથે સંતોષ અનુભવે છે.
૨૦૦૦ ની સાલમાં વિરસિંગભાઈ નલવાયા (ગવરસિંગ નલવાયાના પિતાશ્રી) એ ૧૫૦ થી વધુ આંબાના ઝાડ વાવ્યા હતા. ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવા મારે આંબાવાડીમાં નાખવું નથી, મારે એમાં પ્રાકૃતિક રીતે ખેતી કરવી છે. એમ એમના ખેડૂતપુત્ર ગવરસિંગ નલવાયાએ જણાવ્યું હતું. ગવરાભાઈ પણ પોતાના પિતાથી પ્રેરાઈને પ્રાકૃતિક ખેતી કરે છે. ખેડૂતશ્રી ગવરાભાઈ વર્ષ ૨૦૧૮ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા. તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિરમાં હાજર રહી પ્રાકૃતિક ખેતી માટેની વિગતે માહિતી મેળવી હતી. ભૂતરડી ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવેલ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ગાય આધારિત ખેતી કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને બીજામૃત સહિતની તાલીમ લીધી હતી.
હાલ તેમણે પોણા 3 એકર ખેતરમાં આંબાવાડી બનાવેલી છે. જેમાં ૧૭૦ થી વધુ આંબાના ઝાડ છે, ૭ જેટલા જાંબુના ઝાડ છે, ૩૦૦ ની આસપાસ સાગ છે, ૫ જેટલી જામફળના ઝાડ છે, ચીકુના ૫ ઝાડ, ફણસના ૨ ઝાડ અને કાજુનું ૧ ઝાડ ઉછેરેલ છે. જેમાં તેઓ કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. તેઓ લીલો પડવાસ તથા ગાય આધારિત બનાવેલ જીવામૃત-ઘન જીવામૃતનો ઉપયોગ કરે છે. ખેતીમાં તેઓ ઘઉં, ચણા, ડાંગર, સોયાબીન, મકાઈ સહિતની ઋતુ મુજબ ખેતી કરે છે. હાલ તેઓ વાર્ષિક ૩ લાખની આવક મેળવી પરિવારને રસાયણ મુક્ત ખોરાક આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી આર્થિક રીતે પણ તેમને ફાયદો મળી રહ્યો છે.
ખેડૂત ગવરાભાઈ નળવાયા સાથેની મુલાકાત દરમ્યાન તેમણે પ્રાકૃતિક ખેતી વિશે કહ્યું કે, અમે આત્મા પ્રોજેક્ટમાં જોડાયા ન હતા તે પહેલાથી જ મારા પિતાએ નક્કી કર્યું હતું કે, આ રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને છાણીયું ખાતર ખેતરમાં નાખવું. એનાથી જેટલો પણ પાકનો ઉતારો મળે તેટલો પણ એને વધારે ઉતારો લેવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો નથી. એટલે આજથી ૨૫ વર્ષ પહેલાથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણે પોતે જ અનાજ ખાવાનું હોય તો એમાં રાસાયણિક જ દવા કે ખાતરનો ઉપયોગ કેમ કરવો જોઈએ, જો કે આપણને ખબર જ છે કે રસાયણ એ એક પ્રકારનું ઝેર છે..! તેનાથી માણસ સહિત પશુઓમાં વિચિત્ર રોગ ફેલાઈ રહ્યા છે. જેને અટકાવવા માટેનો એક સરળ ઉપાય છે કે, પ્રાકૃતિક ખેતીને અપનાવીએ.
ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૧૩ માં યોજાયેલ ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટમાં ખેડૂતશ્રી વીરસિંગભાઈ નળવાયાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમજ ૫૧ હજારનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું, એ સાથે જ વર્ષ ૨૦૧૧-૧૨ માં દાહોદનો જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ગાંધીનગર ખાતે બોલાવીને આપવામાં આવ્યો હતો, જે સાથે ૨૫૦૦ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. જે દાહોદ માટે ગૌરવની વાત કહી શકાય.
મારા પિતાની હાલની ઉમર ૮૩ થી ૮૪ ની હોવા છતાં તો ખેતરો ખૂંદતા હોય છે અને અન્ય નાના-મોટા કામ પણ કરી શકે છે, જે પ્રાકૃતિક ખેતીના ખોરાક થકી શક્ય બન્યું છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે ઉત્પાદન સારું થાય છે, જમીનમાં ભેજ વધે છે જેથી પાણીની ઓછી જરૂર પડે છે. અન્ય ખર્ચ જેમકે ખાતર, દવા નો કે અન્ય વધારાનો મજુરી ખર્ચ બાદ થઇ જાય છે અને વત્તામાં જો આપણને ચોખ્ખુ અનાજ – પાણી મળતું હોય તો પછી પ્રાકૃતિક ખેતી જ કેમ ન અપનાવવી..! એમ કહેતા તેમણે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા હાકલ કરી હતી.
