પેટલાદ તાલુકાના સિલવઈ ગામની નજીક આવતા ગામના ગ્રામજનોએ પાણી ઉકાળીને અથવા ક્લોરિન વાળું જ પીવા અનુરોધ 

હિન્દ ન્યુઝ, આણંદ

    પેટલાદ તાલુકાના સિલવઇ ગામ ખાતે કોલેરાનો એક કેસ પોઝિટિવ માલુમ પડતા સિલવઈ ગામને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સિલવઇ ગામ અને તેની આસપાસના ગામો પાળજ, જેસરવા અને આમોદ ગામના ગ્રામજનોએ ગામમાં સાફ-સફાઈ થાય તે ધ્યાને રાખવું, ઉપરાંત તાજો ઘરે બનાવેલો ખોરાક લેવો જોઈએ, પાણી ઉકાળીને જ પીવું અથવા ક્લોરીન વાળું પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, કુદરતી હાજતે ગયા બાદ અને જમતા પહેલા હાથ સાબુથી અવશ્ય ધોવા જોઈએ, ઠંડા પીણા અને બરફની વસ્તુઓ ન લેવી જોઈએ અને કોઈપણ ગ્રામ્યજનને ઝાડા – ઉલટી જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને સારવાર મેળવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર દ્વારા જણાવાયું છે.

        જિલ્લા વિકાસ અધિકારી મિલિંદબાપનાની સૂચના મુજબ આરોગ્ય વિભાગની ૧૦ ટીમો જેમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ, આશા વર્કર દ્વારા સિલવઇ, પાળજ, જેસરવા અને આમોદ ગામો ખાતે આરોગ્ય લક્ષી સર્વે કરવામાં આવી રહ્યો છે.

        ડો. દિપક પરમારના જણાવ્યા અનુસાર ઝાડા – ઉલટી અને કોલેરાના વાવર વખતે પાણી ઉકાળીને જ પીવું જોઈએ, બજારુ ખોરાક કે પીણાઓ લેવાનું ટાળવું જોઈએ, પીવાનું પાણી લેવા માટે ડોયા કે નળ વાળું માટલું વાપરવાની ટેવ રાખવી જોઈએ, હાથના નખ કાપેલા રાખો, કુદરતી હાજતે તે ગયા પછી ને જમતા પહેલા, રસોઈ બનાવતા અને રસોઈ પીરસ્તા પહેલા, પાણી સાથે સાબુ કે રાખ ઘસીને હાથ ધોવાની ટેવ રાખવાથી કોલેરા અટકાવી શકાય છે.

        ઝાડા ઉલટી તથા કોલેરા સૂક્ષ્મ જીવાણું થી થતો રોગ છે, નરી આંખે ન દેખાય તેવા અસંખ્ય સૂક્ષ્મ જીવાણું, ગંદકીને કારણે આવા સૂક્ષ્મ જીવો પીવાના પાણીમાં કે ખોરાકમાં ભળે અને ખોરાક પાણીને દૂષિત કરે છે. માખી બેસતી હોય તેવો ખુલ્લો ખોરાક અસ્વસ્થ હાથ કે નખના મેલ દ્વારા પણ આ સૂક્ષ્મ જીવાણું વ્યક્તિના શરીરમાં પહોંચે છે અને રોગ કરે છે.

        કોલેરા થવાથી શરીરને નુકશાન થાય છે, કોલેરામાં શરીરમાંથી પાણી અને ક્ષાર નીકળી જાય, તેને કારણે નબળાઈ આવે, ઝાડા ચાલુ રહે તો શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, આ પરિસ્થિતિને ડીહાઈડ્રેશન કહે છે. બાળકોમાં ડીહાઈડ્રેશન વધુ ઝડપથી ગંભીર સ્વરૂપ પકડે છે.

        ગંભીર ડીહાઈડ્રેશનના મુખ્ય લક્ષણો મુજબ વધુ પડતી તરસ લાગે, હોઠની અંદરનો ભાગ સુકાવા માંડે છે. બાળક સૂનમૂન પડી રહે અથવા તો ચીડીયું થઈ રડયા કરે, પેટની ચામડી પર ચપટી ભરીને છોડી દેવાથી ત્યાં કરચલી પડી જાય, બાળક એક-દોઢ વર્ષથી નાનું હોય તો તાળવાના ભાગે ખાડો પડે, આંખો ઉંડી ઉતરી જાય છે.

        સિલવઈ, પાળજ, જેસરવા અને આમોદ ગામના ગ્રામજનોએ ખાસ તકેદારી રાખવા અને કોઈપણ ગ્રામજનને આરોગ્યલક્ષી તકલીફ જણાય તો નાર ગામ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી સારવાર મેળવવા પણ એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. રાજેશ પરમારએ જણાવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment