હિન્દ ન્યુઝ, દાહોદ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંઘીનગર હસ્તકનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર દાહોદ દ્ધારા ૨૦ મો ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરી હતી.
મંત્રીશ્રીએ રમતોની વાત કરતા જણાવ્યું હતું કે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર દોડ,૨૦૦ મીટર દોડ, લાંબી કુદ, અને તીરંદાજી ,ભાઇઓ માટે ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તીરંદાજી,લાંબી દોડ (૮ કીમી પર્વતીય વિસ્તાર) રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ગેડી દડો અને સાઇકલ પોલોનો સમાવેશ કરવામાં આવેલ છે.
બહેનો માટેની રમતોમાં ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, તીરંદાજી, લાંબી દોડ (૫ કિમી પર્વતીય વિસ્તાર) રસ્સાખેંચ, ખો-ખો, અને માટલા દોડ જેવી રમતોનુ આયોજન કરેલ છે. આ દરેક રમતમાં ભાગ લેનાર રમતવીરોને મંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરએ દશેરાની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આ પ્રસંગ આપણામાં રહેલી સારી ગુણવતાઓને બહાર લાવવાનો છે. તમે સૌ ખેલાડીઓએ આગળ જઈને દાહોદ જિલ્લાને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી સફળતા મેળવવા પ્રયત્ન કરવાના છે. જિલ્લા વહીવટી તંત્ર તમને આગળ લઇ જવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. પુરા પ્રયત્ન અને પુરુષાર્થ વડે આ ઓલમ્પિકમાં સૌએ સારુ પરફોર્મ કરવાનું છે.
આ ગ્રામીણ ઓલમ્પિકમાં જુડો, કુસ્તી, એથ્લેટિક્સ, આર્ચરી, હોકી , સ્વિમિંગ, એથ્લેટીક્સ એકેડેમી મિડલ એન્ડ લોંગ ડિસ્ટન્સ, વાય ટી,માં ૧૬૬ ભાઈઓ અને ૧૫૧ બહેનો એમ ૩૧૬ રમત લીધો હતો. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં ૧ થી ૩ ક્રમે આવનાર વિજેતા ખેલાડીઓને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલએ સ્વાગત પ્રવચન કર્યું હતું આભાર દર્શન પ્રાંત અધિકારી ભગોરાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અભેસિંહ વોહનિયા, તાલુકા પંચાયત પ્રમુખ, એ. પી. એમ. સી. ચેરમેન, જિલ્લા પંચાયત ના સભ્યઓ, નગર પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંગ રાઠવા, મામલતદાર સમીરભાઈ પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોકભાઈ પટેલિયા, સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

