“મનપાની ત્રણેય ઝોન કચેરીમાં ૨૪ કલાક ટીમો ખડેપગે”  – ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનીલ ધામેલિયા

બિપરજોય વાવાઝોડું
હિન્દ ન્યુઝ, રાજકોટ
                  બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ તા. ૧૪ અને તા. ૧૫ જુન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીઓ અને તમામ વોર્ડ ઓફિસો ૨૪ કલાક ચાલુ રાખવા તથા સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓને ફરજ સોંપવા હુકમ કરેલ છે. દરમ્યાન આજે સાંજે  અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ કામગીરી જેવી કે લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, બાંધકામ સાઈટો બંધ કરાવી શ્રમિકોનું સ્થળાંતર કરાવવું, ધરાશાયી થયેલ વૃક્ષોનું ટ્રીમીંગ કરી વૃક્ષ હટાવવું, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સતત લોકોને એનાઉન્સમેન્ટ કરી જાણકારી આપવી વિગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.
     સાવચેતીના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૧૪મી જુનના રોજ રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં વિવિધ વિસ્તારમાંથી કુલ ૧૫૫૨ અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં, રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞિક રોડ, રાજકોટ, વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેડ ઓફીસ “સહજાનંદ” વાત્સલ્ય કલાસીસ, ત્રિશુલ ચોક સહકાર મેઈન રોડ રાજકોટ, સ્વામી નારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ, શ્રી અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ, સ્વામી નારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ, લાઈફ રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ, લોહાણા યુવક પ્રગતિ મંડળ, સાંગણવા ચક, લોહાણા મહાજનવાડી શેરી, રાજકોટ, ખોડલધામ, શ્રી સરદાર પટેલ ભવન ૪ થો માળ માયાણી નગર ચંદ્રેશનગર પાણીના ટાંકા પાસે રાજકોટ, પુનિત સમાજ સેવા ટ્રસ્ટ, ગૌશાળા રામનાથપરા મુક્તિધામ પાસે, રાજકોટ સાથે સંકલન કરવામાં આવેલ છે.
        એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ ૬૪૨૭ બોર્ડ / બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને ૨૨૭ જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા છે અને હાલ પણ આ કામગીરી ગતિવંત છે.
            રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરની ૪૮૩ કન્સ્ટ્રકશન સાઈટ ખાતે બે દિવસ બાંધકામ કામગીરી બંધ રાખવા સુચના આપવામાં આવી છે તેમજ બાંધકામ કામગીરી કરતા શ્રમિકોને જરૂરિયાત જણાય તો સલામત સ્થળે લઈ જવા અને ભોજનની વ્યવસ્થા કરી આપવા પણ સુચના આપેલ છે. બાંધકામ સાઈટ ખાતેના બોર્ડ બેનરો તેમજ બાંધકામના માચડા ઉતારી લેવા જણાવવામાં આવેલ છે.
           ગાર્ડન શાખા દ્વારા ભયગ્રસ્ત કુલ ૧૯૧ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે ૩૬ વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment