અરવલ્લીના મોડાસા ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી

ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ વિકાસમાં ગુજરાતીઓનો પ્રચંડ પુરુષાર્થ છે – મંત્રી રમણલાલ પાટકર

        અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૨ મો પ્રજસત્તાક પર્વ જિલ્લા પ્રભારી અને વન-આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં મોડાસા ખાતે યોજાયો હતો.

            સરકારી ઈજનેરી કોલેજ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી, અરવલ્લી વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી. દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

            મંત્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં શામળીયાની કૃપા સતત વરસતી રહે છે. જેનાથી ઘણી આપત્તિઓનો નાશ થાય છે. તેમણે અરવલ્લી જિલ્લાના સપૂત ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ, બાળ સાહિત્યકાર રમણલાલ સોની તેમજ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીને યાદ કર્યા હતા.

            મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના સાત દાયકામાં ગામડાના છેવાડાના લોકોને વિકાસના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે આપણી શાંતિનો અહેસાસ કરી રહ્યા છીએ તેની પાછળ આપણા વીર સૈનિકોનો ફાળો મોટો છે જે ૧૨ હજાર ફૂટ ઊંચા બરફ પર્વત પર દેશની સીમાઓ સુરક્ષિત રાખે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, બંધારણમાં ગામડાથી માંડી શહેરના લોકોની ચિંતા ૭૦ વર્ષ અગાઉ કરવામાં આવી હતી.

         રમણલાલ પાટકારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારી સામે ભારત દેશ દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાંની વાત કરતાં જણાવ્યું હતું કે, લોકોની સાવચેતી અને વહીવટીતંત્ર તેમજ સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી કોરોના મૃત્યુઆંક કાબુમાં રાખી શક્યા છીએ. જેમાં જિલ્લામાં અત્યારસુધી ૨૬ લોકો જે મોતને ભેટયા છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેમણે આરોગ્ય સેવાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું તેમના અથાગ પ્રયત્નોથી રિકવરી રેટ ૯૬ ટકા સુધી પહોંચ્યો છે.  તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ આફતને પણ અવસરમાં પલટાવી દે છે દુષ્કાળ, પૂર કે કુદરતી હોનારત સામે અડીખમ ઊભા રહી ગુજરાતીઓ ઉત્તમથી સર્વોત્તમ બનાવે છે. જેની પાછળ ગુજરાતીઓનો પ્રચંડ પુરુષાર્થ સમાયેલો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે,આપણે કૃષિક્ષેત્રે સ્વાવલાંબી બન્યા છીએ, દુષ્કાળના સમયે વિદેશમાંથી લાલ જુવાર મંગાવવી પડતી હતી, પરંતુ કૃષિક્ષેત્રે વૈજ્ઞાનિકોની નાવીન્ય પદ્ધતિઓ અમલમાં મૂકતાં દેશ આજે અન્નક્ષેત્રે સ્વાવલંબી બન્યો છે.

         મંત્રીએ આઝાદી અપાવનારા ગરવા ગુજરાતી એવા બાપુ અને સરદાર પટેલેને યાદ કરી આઝાદી સંગ્રામને સમર્થ નેતૃત્વ પૂરું પાડ્યું હતું, તો ડૉ. આંબેડકરનાં કારણે વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ રચના કરી જન શક્તિને મહાશક્તિમાં પરી વર્તીત કર્યું તેમણે વંદન કરીએ તેટલા ઓછા છે તેમ જણાવ્યું હતું.

           મંત્રી ગુજરાતને સર્વાંગી વિકાસના આયામોને લક્ષ્યમાં રાખીને કામગીરી આરંભી છે. તેના થકી ગુજરાત વિશ્વ ફલક પર ઉચ્ચકક્ષાએ નામના પ્રાપ્ત કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી. પ્રજાસત્તાક પર્વ પોલીસના વિવિધ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી જ્યારે કૉલેજના પ્રાંગણમાં મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યોજાયેલ રકતદાન શિબિરની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

       આ પર્વની ઉજવણી પ્રસંગે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અગ્રણી રાજેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર આર. જે. વલવી, સહિત પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ અન્ય અધિકારીગણ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :  પઠાણમુન્ના ખાન મોડાસા

Related posts

Leave a Comment