હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિશેષ યોગ શિબિર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામના પ્રાયોગિક નિદર્શન સાથે વિદ્યાર્થીઓને તેના સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ૧૦૦ કલાકની વિશેષ તાલીમ અંગે પણ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
આ શિબિરમાં અંદાજે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના દૈનિક જીવનમાં નિયમિત યોગનો સમાવેશ કરવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મનપા કો-ઓર્ડીનેટર શ્રીમતી વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતીભાઈ કાછડીયા તેમજ શ્રીમતી સોનલબેન બગડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના પદાધિકારીઓ અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
