તાલીમ થકી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવતાં ઉનાના ખેડૂતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ઉનામાં જલારામ વાડી ખાતે તા.૦૩ જૂલાઈથી ૦૫ જૂલાઈના રોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાંથી આશરે ૫૦ કરતાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ ખેતીમાં આગળ વધી અને સાથે જ ગાય તેમજ પ્રકૃતિનું જતન કરે એવા હેતુસર આ તાલીમમાં જોડાયાં હતાં. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું હતું.

આ તાલીમ દરમિયાન મનીષભાઈ બલદાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિધ્ધાંતો અને પાયાની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય કાર્બન અને જમીનની જાળવણીની માહિતી સતિષભાઈ હડિયાલે આપી હતી.

 તજજ્ઞ રમેશભાઇ રાઠોડ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતા રોગ જીવાતના નિયંત્રણની માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક રીતે તૈયાર થયેલ પાકનું વેચાણ કયા કરવું અને કઈ રીતે સરળતાથી વેચાણ કરી શકાય તેની માહિતી પૂજાબેન હેરમાં દ્વારા આપવામાં આવી હતી.

બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ નું માર્ગદર્શન રણજીતસિંહ બારડ દ્વારા અપાયું હતું. આ ઉપરાંત આત્માના અધિકારી કલ્પેશભાઈ દ્વારા ગામે-ગામ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના સેમિનાર બાબતે કઈ રીતે આયોજન કરવું અને પ્રાકૃતિક ખેતીમાં કેવી રણનીતિ અપનાવવી તેની માહિતી અપાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવા ઉના અને ગીરગઢડાના આત્મા અને પ્રાકૃતિક બોર્ડના સ્ટાફ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment