ચૂંટણી પ્રચાર વખતે કટ આઉટ, ધ્વજ, બેનર,હોર્ડિંગ્સ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ ઉપર નિયમન કરવા અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. લોકસમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ,જાહેરાત પાટીયા/બેનર્સ વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી કરેલ આચારસંહીતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી છે.

ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામામાં દ્વારા ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતચિત્રો, હોડીંગ, બેનર્સ છાપવા/લગાવવા બાબતે તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર નિયમન કરવા નીચે મુજબના નિયમો તાત્કાલિક અમલમાં લાવવા જરૂરી હોવાથી નીચે મુજબના નિયમોનું પાલન કરવા ઉક્ત હુકમ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યાં મુજબ રાજકીય પક્ષો/ઉમેદવારોએ જે સ્થળે ચૂંટણી પ્રચાર માટે સભા રાખી હોય તે સ્થળની અંદર જે સમય દરમિયાન સભા યોજવામાં આવી હોય તેટલા સમય દરમિયાન જ બેનર્સ,હોર્ડીગ્સ, કટ આઉટ, પોસ્ટર્સ વગેરે પ્રદર્શિત કરી શકાશે અને સભા પૂરી થયા પછી તુર્ત જ સભાના સ્થળે પ્રદર્શિત કરવામાં આવેલ બેનર્સ, હોર્ડીગ્સ, કટઆઉટ, પોટર્સ વગેરે દૂર કરવાના રહેશે તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ લાદેલા નિયંત્રણો તેમજ સ્થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને જો કોર્ટનો કોઇ હુકમ હોય તો તેને આધીન ચૂંટણી પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શીત કરવાની પરવાનગી આપી શકાશે તે સિવાય કોઇ ઉમેદવારોએ, રાજકીયપક્ષોએ કે તેમના ટેકેદારોએ કોઇ કટઆઉટ દરવાજા (GATES) કે કમાનો (ARCHIES) ઉભા કરવા નહી.

કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અન્ય સંગઠનો, વ્યકિતઓ દ્વારા કોઇપણ જગ્યાએ કટ આઉટ જાહેરાતના પાટીયા, બેનર વગેરે મુકતા પહેલા તે અંગેની જાણ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવાની રહેશે. જયાં એક પક્ષે સભાઓ યોજી હોય, એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં તેમજ પોતાના પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહીં. એક પક્ષે બહાર પાડેલા ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહીં અને ભારતના ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.

કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યકિતઓ ચૂંટણી પ્રચાર માટે શાળા અને કોલેજોના મેદાનોમાં નીચેની શરતોએ રાજકીય મીટીંગો માટે પરવાનગી લઇ. ઉપયોગ કરી શકશે અને આવી મીટીંગો સવારના ૬:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી જ યોજવાની રહેશે.

શાળા અને કોલેજોના શૈક્ષણિક સમય પત્રકને કોઇપણ સંજોગોમાં અસર થવી જોઇએ નહીં.શાળા કોલેજના વ્યવસ્થાપકોને તેની સામે કોઇ વાંધો હોવો જોઇએ નહિ. અને શાળા/ કોલેજોના વ્યવસ્થાપક મંડળની અગાઉથી મંજુરી લીધેલી હોવી જોઇએ.

આવી મંજુરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઇએ.કોઇપણ રાજકીય પક્ષને આ મેદાનોનો એકહથ્થું ઉપયોગ કરવાની પરવાનગી આપવી નહિ.શાળા/કોલેજોના મેદાનોનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઇ ભંગને ચૂંટણી આયોગ ગંભીરતાથી જોશે અને આ બાબતની જવાબદારી સભા માટે મંજુરી આપનાર સક્ષમ અધિકારીની રહેશે.

રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર દર્શાવેલા ધોરણોનો ભંગ ન થાય તે માટે કાળજી અને તકેદારી લેવાની રહેશે. જો આ મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને કોઇપણ નુકશાન વગર સંબંધિત સંસ્થાને પરત સોંપવું અને જો કોઇ નુકશાન થયુ હોય તો તેના વળતર સાથે પરત સોંપવુ. સંબંધિત રાજકીય પક્ષ મેદાન પરત સોંપતી વખતે નુકશાનનું વળતર ચુકવવા માટે જવાબદાર રહેશે. રાજકીયપક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લઘંન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment