લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪
હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને ભારતના ચૂંટણી આયોગની તા.૭/૧૦/૨૦૦૮ની સુચનાના પારા-૫(બી) મુજબ જ્યાં મિલ્કતોના બગાડ ઉપર પ્રતિબંધ અંગે સ્થાનિક કાયદો નથી, ત્યાં પણ કોઈપણ પ્રકારનો કાયમી (પરમેનન્ટ) કે અર્ધકાયમી (સેમી પરમેનન્ટ) બગાડ ખાનગી મિલ્કત ઉપર થઈ શકતો નથી. એટલું જ નહીં ખાનગી માલિક મંજુરી આપે તો પણ આવો કાયમી કે અર્ધકાયમી બગાડ થઇ શકતો નથી. પારા-પ(એ) મુજબ હંગામી કે સરળતાથી હટાવી શકાય કે દૂર કરી શકાય તેવી જાહેરાતો જેમ કે, ફલેગ, બેનર્સ વગેરે ખાનગી માલિકની સહમતિથી અને તેની સ્વૈચ્છિક ઇચ્છાથી જ મૂકી શકાશે. આ માટે કોઇ દબાણ કે ધમકી ન હોય તથા કોઇને નડતરરૂપ ન હોય તેવી રીતે રાખી શકાશે. આ માટે આવી સ્વૈચ્છિક પરવાનગી લેખિતમાં મેળવવાની રહે છે અને તેની પ્રમાણિત નકલ સંબંધિત ચૂંટણી અધિકારીને મોડામાં મોડા ૩ દિવસમાં આપવાની રહે છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે જેમાં સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે સરકાર નો જેમાં હિસ્સો સમાયેલ હોય તેવા કોઇપણ મકાનો, ભવનો, કમ્પાઉન્ડ વોલ પર ચૂંટણીલક્ષી કોઇપણ પ્રકારની જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં કે તેવી જમીનમાં બોર્ડ /હોડીંગ્સ મૂકી શકાશે નહી પરંતુ સ્થાનિક સ્વરાજયની સંસ્થાના આ અંગેના નિયમો હોય તો તે નિયમોનું નિયમાનુસાર પાલન કરવાનું રહેશે અને આ બાબતે પૂર્વ પરવાનંગી લેવાની રહેશે.
જાહેર સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે ખાસ નક્કી કરાયેલ જગ્યા કે જે કોઇ એજન્સીને ભાડે અપાયેલ હોય તેવી જગ્યાએ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને તે જગ્યાનો ચૂંટણી સબંધી જાહેરાતના ઉપયોગ માટે એકસરખી તકો રહેશે.
કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેઓના કાર્યકરોએ સંબંધિત મકાન માલિકોની પરવાનગી લીધા વિના જાહેર તથા ખાનગી મીલ્કત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને દિવાલો બગાડવી નહી, માત્ર હંગામી તથા સરળતાથી દૂર કરી શકાય કે હટાવી શકાય તેવા ધ્વજ, બેનર્સ વગેરે “ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધિત માલિકની લેખિત પરવાનગીથી મૂકી શકાશે.”
ખાનગી મકાન કે મિલ્કત ઉપર કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકશે નહીં. સબંધિત માલિક પરવાનગી આપે તો પણ કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકાશે નહીં. સબંધિત પક્ષ કે તેનાં ઉમેદવારોએ ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધીત માલિકની પરવાનગીથી મુકેલ ધ્વજ, બેનર્સ વગેરેની ચૂંટણી અધિકારીને તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામાં મોડા ૩- દિવસમાં જાણ કરવાની રહેશે.
કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર્સ, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશાસુચક સાઇન બોર્ડ, હાઇ-વે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વગેરે જાહેર અથવા ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી.
ખાનગી માલિકીની મિલકતો ઉપર સબંધિતોની પરવાનગી વગર માલ મિલકતનો બગાડ કરી શકાશે નહી. ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો.
એક પક્ષે બહાર પાડેલ ભીંતપત્રો બીજા પક્ષાના કાર્યકરોએ દુર કરવા નહી તેમજ રાજકીયપક્ષે ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે
આ જાહેરનામું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.