જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરો. : જિલ્લા કલેકટર બી.એ.શાહ

હિન્દ ન્યુઝ, વડોદરા 

વડોદરા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

    કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેકટર બી.એ.શાહે પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓના સંકલન વડે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેની પ્રાથમિકતા આપવા પર ભાર મુકયો હતો.  

જન પ્રતિનિધિઓ દ્વારા જન સામાન્યને સ્પર્શતિ બાબતોની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆતો કરવામાં આવતી હોય છે. સંબંધિત વિભાગ દ્વારા આવી રજૂઆતોનો સત્વરે નિકાલ કરવા જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું. 

બેઠકમાં ધારાસભ્ય સર્વઓ દ્વારા પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ સમયસર આવે તેવી રજુઆતો કરી હતી. જેમાં પીવાના પાણી, રસ્તાઓ, જમીન રી સર્વેની કામગીરી, કેનાલોની સાફસફાઇ, પુર સંરક્ષણ દિવાલ, દબાણો, ડ્રેનેજની મુશ્કેલી જેવા પ્રશ્નોની રજુઆત કરતાં સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર શાહે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. 

બેઠક દરમિયાન પેન્શન કેસોના નિકાલ, નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓ, પડતર કાગળોના નિકાલ અંગે વિગતો સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે ઉપર્યુકત બાબતોનો સમયમર્યાદામાં નિકાલ થાય એ અંગે તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી. 

આ ઉપરાંત સરકારી લેણાની વસુલાત અંગે ચર્ચા કરતા કલેકટરે જણાવ્યું હતું કે, સરકારી લેણાની વસુલાતમાં ઝડપ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સંકલન સમિતિના અન્ય મુદ્દાઓ અંગે પણ તેમણે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. 

બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલે કર્યું હતું. 

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, સંસદસભ્ય ડો.હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વ કેયુરભાઇ રોકડીયા, ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શૈલેષભાઇ મહેતા,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment