ભારતીય ચૂંટણીપંચની વીડિયો કોન્ફરન્સ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યના ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગીર સોમનાથ ખાતે આ વીડિયો કોન્ફરન્સમાં જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીન, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા જોડાયા હતાં.
ઈણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી વીડિયો કોન્ફરન્સમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ મતદાન અને સલામતી અને સુરક્ષાના પૂરતાં પગલા ઉઠાવ્યા છે. તેની માહિતીથી ભારતીય ચૂંટણીપંચને આશ્વસ્થ કર્યુ હતું.
જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમીએ ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં સાંસ્કૃતિક અવરોધો વચ્ચે પણ મતદાર જાગૃતિનું અભિયાન વ્યાપક પણે ચલાવી મતદાન જાગૃતિથી લોકોને જાગૃત કરવામાં આવ્યાં છે. તેમ પંચને જણાવ્યું હતું.
પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીને જિલ્લામાં મતદાન મથકો અને સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં બાધકરૂપ બાબતો વિશે ખાસ કાળજી રાખીને તે અંગે પગલાં લેવામાં આવ્યા છે. તે અંગેની માહિતી આપી હતી.
ખર્ચ નિરીક્ષક રજત દત્તાએ જૂનાગઢ ખાતેથી વીડિયો કોન્ફરન્સમાં જોડાતાં ખર્ચના એકાઉન્ટ માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં એફ.એસ.ટી તેમજ એસ.એસ.ટી ટીમ દ્વારા સુચારૂ પગલાં લેવામાં આવ્યા છે. તેનાથી પંચને અવગત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં ૧૦૪૦ પોલિંગ બૂથ પર પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. માઈક્રોઓબ્ઝર્વરને તાલિમ, બૂથો પર મેડિકલ ટીમ, આકસ્મિક સ્થિતિ માટે એમ્બુલન્સ સહિતની સગવડો ઉભી કરવામાં આવી છે. તેની વિગતો આપતાં જ્યાં મહિલા મતદાન ઓછું છે તેવા ૧૪૧ મતદાન વિભાગોમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. મહિલાઓને મતદાન પ્રતિ સંવેદનશીલ કરવા માટે ૧૧૬૬ મહિલાસભાઓ કરવામાં આવી છે. તે સહિતની વિગતો પૂરી પાડી હતી.
ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં આકરા તાપ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મતદાન મથકો પર પાણી, છાંયડો, એમ્બુલન્સ અને બેસવા માટે ખુરશી સહિતની વ્યવસ્થાઓ ગોઠવાઈ અને લોકો મુક્ત, ન્યાયી વાતાવરણમાં ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યભરમાંથી વિવિધ જિલ્લામાં કાર્યરત જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક, પોલીસ નિરીક્ષક, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયાં હતાં.
ઈણાજ ખાતેથી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા સહિતના અધિકારીઓ આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયાં હતાં.