ગીર સોમનાથ જિલ્લામાં સ્થળથી જળ સુધી મતદાર જાગૃતિ અભિયાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લો વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે. આ વિશાળ જળરાશિના કિનારે વસેલા સાગરખેડૂઓ વર્ષમાં મોટાભાગે તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતાં હોય છે. આ સાગરખેડૂઓ લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે આજે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રની લહેરાતી શીતલહેરો વચ્ચે સવારના ભાગે તેમની બોટ સુધી પહોંચી અને ‘બોટ થી વોટ’ના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
આજે સવારે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીન, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રમાં સાગરખેડૂઓ વચ્ચે પહોંચ્યું હતું.
ભારતીય તટરક્ષક દળના જોમ અને જિલ્લા વહીવટી તંત્રના મતદાર જાગૃતિના જુસ્સા વચ્ચે વેરાવળ બંદર ખાતે એકબાજુ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતજાગૃતિના સંદેશ અને શપથ અને બીજીબાજુ એકકતારમાં ઉભેલી માછીમારોની હોડીઓમાંથી ઉઠતા ‘ભારત માતા કી જય’ના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણમાં મતદાન જાગૃતિના સંદેશા વચ્ચે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના બળવત્તર થઈને નીખરી ઉઠી હતી.
સમુદ્રમાંથી તિરંગો લહેરાવી અને બેનર્સ દ્વારા ‘મતદાન અવશ્ય કરીએ’ નો સંદેશ આપવા સાથે સમુદ્રમાંથી મતદાર જાગૃતિની લહેર ઉઠી હતી. જે આગામી સ્વર્ણિમ અને ઉજ્જવળ ભવિષ્યના ભારતની અગમવાણી સમી લાગી રહી હતી.
વેરાવળ કોસ્ટગાર્ડની જેટી પર યોજાયેલા આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ખલાસી ભાઈઓ અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો જોડાયા હતાં અને સમુદ્રમાં બોટને કતારબદ્ધ ગોઠવી અને સમુદ્રમાંથી જ તિરંગા લહેરાવી અને બેનર્સ દ્વારા ‘મતદાન અવશ્ય કરીએ’ નો સંદેશો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો.
ખારવા સમાજના અગ્રણીઓએ પણ આ અભિયાનમાં સહભાગી થતાં માછીમારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલ લોકો તેમજ ખલાસીઓ મતદાન કરવાથી વંચિત ન રહી મોટાપાયે મતદાન કરવા માટે જોડાશે તેની ખાતરી આપી હતી.
વેરાવળ જેટી પર યોજાયેલા આ મતદાર જાગૃતિના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ખારવા સમાજના અગ્રણીઓ લખમભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ સહિત સામાજિક અગ્રણીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતાં.