હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આજરોજ વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર, અંધ અપંગ સહકાર કેન્દ્ર, ઉના અને સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ એમ વિવિધ જગ્યાઓએ અને નોડલ ઓફિસરશ્રી પીડબલ્યૂડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને ચૂંટણીમાં મતદાન કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવે તે માટે દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ કરવામાં આવ્યો હતો.
સક્ષમ એપના માધ્યમથી દિવ્યાંગ મતદારોને મળતી સવતલો વિશે જણાવાયું હતું. જેમાં વ્હીલચેર અને પરિવહન સેવાઓ, પીડબલ્યુડી એપ દ્વારા ચૂંટણીના દિવસે ચૂંટણીલક્ષી સેવાઓ અને પિક-અપ/ડ્રોપ સુવિધાઓની વિનંતી કરી શકે છે.
ઉપરાંત બહેરા-મૂંગા દિવ્યાંગો માટે નોડલ અધિકારીની અને PWD સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વીડિયો કોલથી માહિતી આપવા બે સ્પેશ્યિલ એજયુકેટર્સની કંટ્રોલ રૂમ પર નિમણૂક કરવામાં આવી છે. હેલ્પલાઈન નં. ૦૨૮૭૬-૨૮૫૭૧૨ સંપર્ક કરી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરીકો કોઈપણ મદદ માટેની જાણકારી મેળવી શકશે.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારોએ તા.૦૭મેના રોજ ’અવશ્ય મતદાન કરીશું’ નો સંકલ્પ પણ લીધો હતો તેમજ ઉપસ્થિત તમામને મતદાન જાગૃતિનો સંદેશો આપતી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.