હિન્દ ન્યુઝ, વલસાડ
રવિવારની સવાર અને તિથલનો મનોહર દરિયાકિનારો… વાતાવરણમાં એક અલગ જ ઉર્જા હતી! નિમિત્ત હતું વલસાડના સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ‘યુફિઝિયો બીચ મેરેથોન.ગુજરાતની આ એકમાત્ર બીચ મેરેથોનમાં વલસાડના રસ્તાઓ નહીં પણ દરિયાની રેતી રનર્સના પગરવે ગાજી ઉઠી હતી. ફિટનેસના આ મહાકુંભમાં ૧૭૦૦થી વધુ ખેલૈયાઓએ ભાગ લઈ ‘હેલ્ધી ઇન્ડિયા’નો મજબૂત સંદેશ આપ્યો હતો.
વહેલી સવારે ઉર્જાનો ઉભરો
સવારે ૫:૩૦ વાગ્યે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે સાંઈ બાબા મંદિર પાસેના પાર્ટી પ્લોટ પર ડીજેના ધબકારે અને ઢોલના તાલે રનર્સ ‘વોર્મ-અપ’ કરી રહ્યા હતા. ૨૧ કિમી (હાફ મેરેથોન), ૧૦ કિમી, ૫ કિમી અને ૩ કિમીની કેટેગરીમાં દોડનો પ્રારંભ થયો ત્યારે વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
રેતી પર દોડવાનો રોમાંચ
સામાન્ય રીતે મેરેથોન ડામરના રોડ પર થતી હોય છે, પરંતુ દરિયાની ભીની રેતી પર દોડવાનો પડકાર અને અનુભવ સાવ અલગ જ હોય છે. નાના બાળકોથી લઈને ૭૦ વર્ષના વરિષ્ઠ નાગરિકોએ પણ આ કઠિન ગણાતી દોડ પૂરી કરી યુવાનોને શરમાવે તેવો ઉત્સાહ બતાવ્યો હતો
ગ્લોબલ બની મેરેથોન: આફ્રિકાના દોડવીરોનો પડકાર
આ વર્ષે મેરેથોન માત્ર સ્થાનિક ન રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી હતી. આફ્રિકન દેશોના ૧૧ જેટલા પ્રોફેશનલ રનર્સે આ મેરેથોનમાં ભાગ લઈ સ્થાનિક યુવાનોને જોરદાર ટક્કર આપી હતી. આ સાથે જ મુંબઈ, સુરત, હરિયાણા અને ઉત્તર પ્રદેશના રનર્સે પણ તિથલના બીચ પર પોતાનો પરસેવો વહાવ્યો હતો.
આયોજનની હાઈલાઈટ્સ:
• હાઈ-ટેક સપોર્ટ: રનર્સ માટે રૂટ પર એનર્જી ડ્રિંક્સ, ફ્રૂટ્સ અને હાઈડ્રેશન પોઈન્ટ્સની સુવિધા.
• મેડિકલ સેફ્ટી: ફિઝિયોથેરાપીસ્ટ અને તબીબી ટીમ ખડેપગે રહી હતી.
• ફિનિશર મેડલ: દોડ પૂર્ણ કરનાર દરેક રનરને મેડલ આપી પ્રોત્સાહિત કરાયા.
• સ્પોર્ટી સેલિબ્રેશન: મેરેથોન પૂરી થયા બાદ તમામ દોડવીરો અને મહાનુભાવો ગરબે ઘૂમ્યા હતા.
આ ઇવેન્ટને સફળ બનાવવા માટે શહેરના તબીબો, પોલીસ ફોર્સ, શિક્ષકો અને સન્ડે સ્પોર્ટ્સ ગ્રુપના સભ્યોએ રાત-દિવસ એક કર્યા હતા. ખરેખર, આ મેરેથોન માત્ર એક દોડ નહીં, પણ વલસાડની ફિટનેસ પ્રત્યેની જિજીવિષાનું પ્રતીક બની રહી.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ
