હિન્દ ન્યૂઝ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાનાં ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એક્સીડન્ટ હેઝાર્ડ્સ વાળા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માતનાં સંજોગોમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી મોકડ્રીલ યોજતી હોય છે. જે મુજબનું એક મોકડ્રીલ શનિવારના રોજ યોજાઇ હતી.
જેમાં મોકડ્રીલનાં સીનારિયો તરીકે કારખાનામાં આવેલ એલ.પી.જી. બુલેટનાં વૉલવમાં કોઈ કારણોસર લિકેજ શરુ થતાં અને સ્પાર્ક મળતા લાગેલી આગ પર કાબુ મેળવવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા પ્રયત્ન કરવા છતાં સંજોગો કાબુમાં ન આવતાં આ ઈમરજન્સીને “ઓફસાઈટ ઈમરજન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે નાં તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ હતી.
નિયોન ફ્યુલ્સ લિ. ખાતે યોજાયેલ મોકડ્રીલમાં આગને કાબુમાં લેવા ઘટના સ્થળે જિલ્લા વહિવટી તંત્રનાં અને ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપનાં સભ્યશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ વિવિધ એજન્સીઓ જેમકે ફાયર બ્રિગેડ ટીમ,એમ્બ્યુલેન્સ ટીમ અને મેડિકલ ટીમ, પોલિસ વિભાગની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ હતી.
આ મોકડ્રીલમાં ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જી.પી.સી.બી. ના અધિકારી, ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપનાં મેમ્બર તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ,ગાંધીનગર, નિયોન ફ્યુલ્સ્નાં માલિક તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા