હિન્દ ન્યુઝ, કપરાડા
કપરાડા તાલુકાના મુરભાટી ગામે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે સંકલ્પ યુવા ગ્રુપ દ્વારા માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રુપના યુવાનો દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ પરિવારો અને વિધવા બહેનોને મીઠાઈ તથા નાની ભેટ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
“સેવા જ અમારો ધર્મ, સમાજનું કલ્યાણ અમારો સંકલ્પ” ના સૂત્ર સાથે કાર્ય કરતું સંકલ્પ યુવા ગ્રુપ માત્ર યુવા મંડળ નહીં, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને માનવતાના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. આયોજકોના જણાવ્યા અનુસાર, અમારો હેતુ માત્ર ભેટ આપવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિને એવો અહેસાસ કરાવવાનો છે કે સુખ હોય કે દુઃખ, સમાજમાં તેઓ એકલા નથી.

ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, સમાજનો સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે છેવાડાના માણસ સુધી ખુશી, મદદ અને સન્માન પહોંચે. “કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જરૂરિયાતમંદ મદદથી વંચિત ન રહે” એ જ અમારો સંકલ્પ છે.
આ સેવાકાર્યમાં સહયોગ આપનાર તમામ સભ્યો, દાતાઓ અને યુવાનોનો ગ્રુપ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : મિતેશ વળવી, કપરાડા
