મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ આણંદનો આરોગ્ય વિભાગ

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.

ગુજરાતમાં તા. ૦૭ મેના રોજ યોજાનાર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સુસજ્જ છે.

ચૂંટણીને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે હીટ વેવ ના નોડલ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારના જણાવ્યા મુજબ સંભવિત હીટવેવની અસર સામે મતદાનના દિવસે જિલ્લાનાં કુલ ૧૭૭૩ મતદાન મથકોએ જરૂરી દવાઓ સહિત કીટ મુકવામાં આવી છે અને જરૂરી પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મતદાન કરવા માટે આવતા મતદારોને ગરમીની અસર કે અન્ય કોઈ મેડીકલ જરૂરિયાત જણાય તો તાત્કાલિક મતદાન મથકે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે દરેક મતદાન મથકોએ ફર્સ્ટ એઈડ કીટ મુકવામાં આવી છે. આ કીટમાં પ્રાથમિક સારવાર માટેની દવાઓ, પાટાઓ સહિતની તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે. સાથે-સાથે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઓ.આર.એસ.) ના પાઉચ પણ મુકવામાં આવ્યા છે.

પોલીંગ કર્મીઓને આપવામાં આવેલી ચૂંટણીલક્ષી તાલીમની સાથે-સાથે હીટ વેવ બાબતે શું કરવું ? શું ન કરવું ? તેના લક્ષણો, મેડીકલ જરૂરિયાત સમયે પ્રાથમિક સારવાર, ઓ.આર.એસ. કઈ રીતે બનાવવું સહીતની જરૂરી જાણકારી ડોકટરો દ્વારા આપવામાં આવી છે.

ચૂંટણીના એક દિવસ પહેલાં ડિસ્પેચિંગ તેમજ મતદાન બાદ રીસીવિંગના સમયે તમામ વિધાનસભા મતવિસ્તારના ડિસ્પેચિંગ/રીસીવિંગ સેન્ટરો ઉપર કોઈ કર્મચારીને મેડીકલ સારવારની જરૂરિયાત જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની એક મેડીકલ ટીમ હાજર રહેશે.

મેડીકલ ઈમર્જન્સી સમયે પ્રાથમિક તપાસણી કર્યા બાદ વધુ સારવારની જરૂર હશે તો જરૂરિયાત મુજબ જે તે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે.

જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૮૦ એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે આરબીએસકેની ૨૦ એમ્બ્યુલન્સમાં ડોક્ટરની ટીમ સાથે અને ૧૦૮ ની ૨૦ એમ્બ્યુલન્સ વાન એમ કુલ ૧૨૦ એમ્બ્યુલન્સ વાન મતદાનના દિવસે તૈનાત રહેશે.

આમ, આણંદ જિલ્લામાં ૧૨૦ એમ્બ્યુલન્સ સેવારત રહેશે. તદુપરાંત, દરેક વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી સાથે જે તે સંબધિત વિસ્તારના તાલુકા આરોગ્ય અધિકારીઓ સતત સંર્પકમાં રહેશે. જરૂરિયાત મુજબ ગણતરીની મિનીટોમાં જ મેડીકલ ટીમ જિલ્લાના કોઈપણ મતદાન મથક ખાતે પહોંચી જશે.

જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો, પેરા મીલેટરી ફોર્સના જવાનો, એસઆરપી જવાનો, સશસ્ત્ર સુરક્ષા બળ ના જવાનો, સીઆરપીએફ કે અન્ય કોઈપણ અધિકારી કર્મચારીઓને ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હીટ વેવને કારણે કે અન્ય કોઈ કારણસર તબીબી સારવારની આવશ્યકતા જણાશે તો તમામને ‘કેશલેશ’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આણંદની ઝાયડસ હોસ્પિટલ અને કરમસદ ખાતેની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ચૂંટણી ફરજ પર રોકાયેલ અધિકારી કર્મચારીઓને ચૂંટણીના દિવસે કોઈ તબીબી પ્રશ્ન ઉપસ્થિત થાય તો તાત્કાલિક વિનામૂલ્યે કે સારવાર આપવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લામાં PMJAY યોજના હેઠળ સમાવિષ્ટ ૨૦ હોસ્પિટલ સાથે TIE-UP કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓ કે જે PMJAY યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે, ત્યાં પણ કેશલેસ સારવાર મેળવી શકાશે.

આમ, આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણ સજ્જ છે, તેમ ડો. દિપક પરમાર એ જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment