આણંદ જિલ્લાના મતદારોને ગમે તેટલો તાપ પડે તો પણ ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરતાં પેટલાદના દાદા ગંગારામજી કિન્નર અખાડાના દાનાકુંવર પૂજાકુંવર

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટલાદ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પી. આર. જાની દ્વારા ત્રીજી જાતિના મતદારોના સહયોગથી મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.

આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૩૧ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જે પૈકી ૧૧૩-પેટલાદ વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ૧૦૯ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જયારે ૧૦૯-બોરસદ, ૧૧૧-ઉમરેઠ અને ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગમાં ૬-૬ અને ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં ૪ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. આ તમામ થર્ડ જેન્ડર મતદારો આગામી તા.૭ મે ના મંગળવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલા દાદા ગંગારામજી કિન્નર અખાડા ખાતે રહેતા દાનાકુંવર પૂજાકુંવર જણાવે છે કે, છેલ્લા ૪૦ વર્ષથી તેઓ પેટલાદ ખાતે રહે છે અને દરેક ચૂંટણીમાં તેઓ તમામ થર્ડ જેન્ડર મતદારો એક સાથે મતદાન કરવા જાય છે. દર વખતની જેમ આ વખતે પણ અમે બધા જ આગામી તા.૭મી મેના રોજ પેટલાદના ચતુર બાપુજી પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરવા જવાના છીએ.

આણંદ જિલ્લાના મતદારોને ૧૦૦ ટકા મતદાન કરવોનો સંદેશો આપતા દાનાકુંવર પૂજાકુંવર વધુમાં જણાવે છે કે, જિલ્લાના સીનિયર સિટીઝનની સાથે ખાસ કરીને આ વખતે નવા નોંધાયેલા યુવા મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. ગરમી હોય કે સખત્ત તાપ હોય તો પણ અચૂક મતદાન કરવા જવા માટે તેમણે મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતુ કે, અમે બધા જ વોટ આપવા જવાના છીએ, તમે પણ અવશ્ય મતદાન કરજો.

નોંધનિય છે કે, આણંદ સંસદીય મત વિસ્તારની લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭,૮૦,૧૮૨ મતદારોમાં ૯,૦૭,૯૩૪ પુરુષ, ૮,૭૨,૧૧૭ મહિલા અને ૧૩૧ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

 

 

 

 

Related posts

Leave a Comment