હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૭ મી તારીખે મતદાન યોજાનાર છે, ત્યારે આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી જરૂરી તમામ લેખન, સાધન-સામગ્રીની જરૂરીયાત રહે છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ નાનામાં નાની જરૂરી લેખન, સાધન – સામગ્રી પહોંચાડવામાં આવે છે.
જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી મળેલી માહિતી અનુસાર મતદાન મથકો ખાતે સેફટી પિન્સ, અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનું ટીન, દિવાસળીની પેટી, બ્લેડ, રબર બેન્ડ, બોલ પોઇન્ટ પેન અને રીફીલ, મતદાન સામગ્રી રાખવા માટે હેન્ડલવાળું જયુટબેગ, એરલડાઈટ, એડહેસિવ ટેપ, સેલોટેપ, ક્લિપ બોક્સ, પેપર કટર, પેન્સિલ, બ્લેક લીડ, એચ. બી. ટાંકણી, મોટી સાઇઝની મીણબત્તી, ચોક સ્ટીક, પેન્સિલ સાથેના ઉપયોગ માટે કાર્બન લખવા માટેના ફુલ સ્ટેપ કાગળ, ગ્લુ બોટલ, ત્રણ ઇંચ લાંબી ટેગ, પાતળી દોરીના દડા, જાડી દોરીના દડા, સુતળી, લાખ, સ્લીપ, બ્લોક, ઓર્ડિનરી સેલ્ફિંગ પેડ, આંગળી ઉપર કોઈ તૈલી પદાર્થ હોય તે લુછવા માટે ડુંગરી ક્લોથ, વૈધાનિક કવર, લીલા કવર, અવૈધાનિક કવર, પીળા કવર, ખાખી કવર, વાદળી કવર, સફેદ કવર જેવી અનેક નાનામાં નાની જરૂરી લેખન સાધન સામગ્રી મળીને કુલ અંદાજિત ૨૦૦ પ્રકારની સામગ્રીઓ મતદાનમથકોએ પહોંચાડવાની રહે છે.
આ તમામ જરૂરી સાધન સામગ્રી સમયસર જિલ્લાના તમામ ૧૭૭૩ મતદાન મથકો ખાતે પહોંચાડવામાં આવી હોવાનું નાયબ મામલતદાર પિયુષભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે.