આણંદ લોકસભા મત વિસ્તારમાં ૧૭,૨૧૪ જેટલા ચૂંટણીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

હિન્દ ન્યુઝ, આણંદ

     ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે, જેને ધ્યાને લઇ લોકસભાની આ ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે, સાથો – સાથ આ મતદાર વિભાગમાં જે મતદારોની ઉંમર ૮૫ વર્ષ કરતાં વધારે છે અથવા દિવ્યાંગ મતદાર છે અથવા આવશ્યક સેવામાં આવે છે, તેવા તમામ મતદારો પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આણંદ જિલ્લાની વાત કરીએ તો, જે મતદારોની ઉંમર ૮૫ વર્ષ કરતાં વધારે છે અથવા દિવ્યાંગ મતદાર છે અથવા આવશ્યક સેવા સાથે જોડાયેલા છે, તેવા મતદારોમાં ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૧, બોરસદ વિધાનસભામાં ૪૯, આંકલાવ વિધાનસભામાં ૫૦, ઉમરેઠ વિધાનસભામાં ૫૬, આણંદ વિધાનસભામાં ૭૯, પેટલાદ વિધાનસભામાં ૮૪, સોજીત્રા વિધાનસભામાં ૪૨ મળી કુલ-૪૬૧ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે.

તેવી જ રીતે આણંદ જિલ્લાના જે મતદારો સેવા મતદારો છે, એટલે કે આર્મી, નેવી, એરફોર્સમાં ફરજ બજાવે છે, તેવા મતદારો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. જેમાં ખંભાતમાં ૬૮, બોરસદમાં ૩૦, આંકલાવમાં ૩૩, ઉમરેઠમાં ૧૬૨, આણંદમાં ૮૧, પેટલાદમાં ૫૦, સોજીત્રામાં ૧૦૯ મળીને કુલ -૫૩૩ મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

આણંદ જિલ્લામાં રહેતા હોય અને આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરજ પર હોય તેવા અધિકારી-કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે, જેમાં ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૩૨, બોરસદમાં ૨૧૭૮, આંકલાવમાં ૧૧૯૨, ઉમરેઠમાં ૧૩૦૮, આણંદમાં ૨૬૧૬, પેટલાદમાં ૧૪૯૪, સોજીત્રામાં ૧૧૮૧ મળીને કુલ -૧૧,૫૦૧ અધિકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરજ પર હોય પરંતુ તેઓ અન્ય જિલ્લાના મતદાર હોય તેવા અધિકારી-કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. જેમાં ૧૦૮- ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૪૧૬, બોરસદમાં ૫૬૯, આંકલાવમાં ૫૪૭, ઉમરેઠમાં ૬૪૩, આણંદમાં ૧૨૯૧, પેટલાદમાં ૫૫૭, સોજીત્રામાં ૬૯૬ મળીને કુલ ૪૭૧૯ અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

આમ, ૧૬-આણંદ સંસદીય મતવિસ્તારમાં અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરનાર તમામ મતદારો જોઈએ તો, ૧૦૮- ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૨૧૧૭, બોરસદમાં ૨૮૨૬, આંકલાવમાં ૧૮૨૨, ઉમરેઠમાં ૨૧૬૯, આણંદમાં ૪૦૬૭, પેટલાદમાં ૨૧૮૫, સોજીત્રામાં ૨૦૨૮ મળીને કુલ ૧૭,૨૧૪ અધિકારી /કર્મચારીઓ સમગ્ર આણંદ જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં યોજનાર ચૂંટણીમાં મતદાનના દિવસે ફરજ પર રહેનાર પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, રેલવે વિભાગ, એમ.જી.વી.સી.એલ, એસ ટી. વિભાગ અને અન્ય કચેરીઓના અધિકારી -કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે, તેમ મેનપાવર મેનેજમેન્ટના નોડલ ઓફિસર અને અધિક નિવાસી કલેકટર આર.એસ. દેસાઈ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment