હિન્દ ન્યુઝ, ભુજ
અબડાસા તાલુકાના પીંગલેશ્વર (રાપરગઢ) ખાતે સુનામીથી રાહત-બચાવ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનામી આવે ત્યારે શું કરવું એના વિશે ગામ લોકોને સમજ આપવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં બાળકો, સગર્ભા મહિલા, સિનિયર સિટીઝન, માછીમારો, પુરુષ અને મહિલાઓને સુનામી અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. મોકડ્રીલ અંતર્ગત સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા વાસ કોઠારા હોસ્પિટલમાં તથા બાકીના લોકોને જૈન સમાજ વાડી ખાતે શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો હતો. જ્યારે પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલમાં અબડાસા પ્રાંત અધિકારીશ્રી કે. જે. વાઘેલા, સુરત મહાનગર સેવા સદનના CFOશ્રી વસંતકુમાર પરીખ, નાયબ મામલતદાર અબડાસાશ્રી તુષાર વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. એન. ચૌધરી, ડિઝાસ્ટર સેલમાંથી ડો. ધાર્મિક પુરોહિત, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, જખૌ પીએસઆઈ એચ.ટી. મઠીયા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા ડો. સિંહા, ઈન્ટેલિજન્ટ ઓફિસર સ્ટેટ આઈબી, ફીશરીઝ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.