રાસાયણિક ખેતીના કારણે કડક તથા ક્ષારવાળી બનેલી લાખોંદના ખીમજીભાઇ ચાવડાની જમીનને પ્રાકૃતિક ખેતીએ બનાવી ફળદ્રુપ

હિન્દ ન્યુઝ, ભુજ

    રાસાયણિક ખેતીના કારણે મારી જમીન ખૂબ જ કડક તથા ક્ષારવાળી બની ગઇ હતી જેની અસર ઉત્પાદન પર પડી રહી હતી. જેના કારણે મે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું મન બનાવ્યું. વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીમાં વર્ષભર જીરૂ, ડુંગળી, બટાકા, લસણ, ઘઉં, શક્કરીયા, મકાઇ, ટામેટા, ધાણા પાકનું વાવેતર કરું છું તેવું લાખોંદના પ્રાકૃતિક ખેતી કરતા ખીમજીભાઇ જીવાભાઇ ચાવડાએ જણાવીને કચ્છના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. 

ખીમજીભાઇ જણાવે છે કે, પહેલા રાસાયણિક ખાતરનો ખૂબ ઉપયોગ કરતો હતો. જેથી ખર્ચ વધી જવા સાથે વળતર પણ કઇં થતું ન હતું . પાણીનો વપરાશ વધુ તથા ઉત્પાદન ઓછું થતું હતું. અવનવી જીવાતો આવવા લાગી જેથી દવાનો ખર્ચ વધારે થતો હતો. વર્ષ ૨૦૧૭થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ મારી જમીન, પાણી તથા પાકની ગુણવત્તા સુધરી છે. હાલ વાડીમાં જ પ્રાકૃતિક ચીજોમાંથી બનાવેલા જીવામૃત, બ્રહ્માસ્ત્ર, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરું છું. જેના કારણે જમીન ખૂબ ફળદ્રુપ બની છે અને પાક ખૂબ જ સારો મળી રહ્યો છે.

Related posts

Leave a Comment