હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર નિયમિત રીતે રાજ્યભરના જિલ્લાઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને ઘરઆંગણે જ તેમનો હક મળે તેવા મંત્રને લઈને ચાલતી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી, કનેક્ટિવિટી, ખેતીવાડી વગેરે અંગે અમલમાં મૂકાયેલ યોજનાઓમાં મેળવેલી સિદ્ધિઓની રોજેરોજની વિગતો આ ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવે છે.
રાજ્યભરમાં ગીર સોમનાથ જિલ્લાએ પ્રજાકલ્યાણની આ યોજનાઓમાં ઉત્તમ કામગીરી દાખવી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાલતી અલગ-અલગ સરકારી યોજનાઓ સહિતની તમામ સરકારી કામગીરીઓના સુચારુ મોનિટરિંગ માટે મુખ્યમંત્રીના કાર્યાલય ખાતેથી સી.એમ. ડેશબોર્ડ પોર્ટલ પર મોનિટરિંગ કરવામાં આવે છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાનો ફેબ્રુઆરી-૨૦૨૪ અંતિત ક્રમાંક ૨૪મો હતો.
ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ફેબ્રુઆરી-૨૦૨૪ થી જિલ્લામાં નિમણૂક થઈ હતી ત્યારબાદ સતત પ્રજાલક્ષી કામગીરી, વિવિધ યોજનાઓ તથા સરકારી કામગીરીનો માસિક રિવ્યૂ લઈ માત્ર ૮ મહિના જેટલા ટૂંકાગાળામાં ઓક્ટોબર અંતિત ગીર સોમનાથ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં તમામ સરકારી કામગીરીઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
સી.એમ. ડેશબોર્ડમાં જિલ્લાના અલગ-અલગ વિભાગોની રાજ્ય સરકારની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે જેમાં મહત્વપૂર્ણ મહેસૂલી પ્રવૃત્તિઓ, મહત્વપૂર્ણ યોજનાઓ, જાહેર સેવાઓ, વિકાસના કામો અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
આમ, ગીર સોમનાથ જિલ્લામાં વેગવાન બનેલી પ્રજાકલ્યાણની યોજનાઓનું પ્રતિબિંબ સી.એમ. ડેશબોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવીને ઝળક્યું છે.