હિન્દ ન્યુઝ, સોમનાથ
સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ની પ્રથમ રાત્રિએ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. મેળામાં આવનાર દરેક માટે આ એક વિશેષ અનુભવ સર્જાયો હતો. નાના બાળકોથી લઇ અને વડીલો સુધી 1 લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓએ આ મેળામાં સાત્વિક આનંદ માણ્યો હતો. મેળામાં જુદા-જુદા વિસ્તારોથી લોકો ઉમટી પડ્યા હતા, જેમણે હસ્તકલા, રાચરચીલું, ફૂડ સ્ટોલ્સ, જેલના ભજીયા, ગુજરાતના ટોચના કલાકારો દેવાયત ખવડ અને બીરજુ બારોટ અને વૃંદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સરવાણી સાથે પરંપરાગત અને આધુનિક બંને પ્રકારનો આનંદ મેળવ્યો હતો.
નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું, somnath@70, પંચદેવ મંદિર, જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોની જોવા મળી, સાથે ગીરના સિંહો, ગજરાર હાથીઓ, પ્રકાશમાન કલ્પવૃક્ષ, લાઈટિંગ બેલ સહિતના આકર્ષક સેલ્ફી પોઇન્ટ પર ફોટો પાડવવામાં પણ પોતાના વારાની રાહ જોવી પડી હતી જે દર્શાવે છે કે લોકોએ આ મેળામાં પોતાના પરિવાર સાથે ઉમંગભર્યા માહોલમાં ભાગ લીધો હતો. આ વર્ષે જોવા મળી રહ્યું છે કે સરેરાશ મુલાકાતિઓની પરચેસિંગ પાવર વધી છે, જે મેળાના વિવિધ સ્ટોલ્સ પરના વ્યાપારીક સંચાલન અને વેચાણ માટે ઉત્તમ રહ્યું.
મેળાના મુખ્ય આકર્ષણ તરીકે સાંસ્કૃતિક ડાયરામાં વિશાળ માત્રામાં લોકો એકઠા થયા હતા, જ્યાં તેમણે સોમનાથ દાદાના ચરણે પોતાના શ્રદ્ધા અર્પી. લાઈવ સ્ક્રીન પર દર્શાવાતી આરતી દરમિયાન શ્રદ્ધાળુઓએ પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ વડે ડિજિટલ આરતી કરી, અને આ અભૂતપૂર્વ દ્રશ્યે તમામના હ્રદયમાં ભાવનાત્મક જોડાણનું અનોખું દર્શન કરાવ્યા.
આ પ્રસંગે ગૌરવભેર રજૂ કરાયેલ આ મેળો રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને વધુ નજીકથી જોવાનો અવસર પૂરો પાડે છે.