લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
હિન્દ ન્યુઝ, આણંદ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની તારીખ જાહેર થતાં દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં મતદારો સહભાગી બની પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદારોને જાગૃત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના ગૌરવ સમા કોમનવેલ્થ ગેમ્સના રજતચંદ્રક વિજેતા લજ્જા ગોસ્વામીની ડિસ્ટ્રિક્ટ આઇકોન તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
લજ્જા ગોસ્વામીએ “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” સૂત્રનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતુ કે દેશના બંધારણ દ્વારા તમામ દેશવાસીઓને કોઇપણ જાતના ભેદભાવ વિના સમાન ધોરણે બહુમૂલ્ય મતાધિકાર આપવામાં આવ્યો છે. તેમણે આણંદ જિલ્લાના તમામ મતદારોને દેશના બંધારણ દ્વારા મળેલ મતાધિકારનો ઉપયોગ કરીને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં અચૂક મતદાન કરવાની અપીલ કરી છે.
આણંદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારનારા શ્રી લજ્જા ગોસ્વામીએ જિલ્લાના તમામ મતદારો અને ખાસ કરીને યુવા મતદારોને ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે.