લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લો

હિન્દ ન્યુઝ, આણંદ

  લોકસભા સામાન્ય ચૂંટણી– ૨૦૨૪ અંતર્ગત ઉમેદવારો અને રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકર તેમજ હેલીપેડ, હેલીકોપ્ટર અને વીડિયોવાનના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળી રહે માટે અને અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ જિલ્લાના દરેક તાલુકા મથક ખાતે સબ નોડલ અધિકારીશ્રી તરીકે મામલતદારની નિમણૂંક કરી સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

        આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં મીટીંગ, લાઉડ સ્પીકર, કાર્યકારી ધારણે પક્ષની ઓફિસ ખોલવાની મંજૂરી, વાહન પરવાનગી, સરઘસ, ડોર ટુ ડોર પ્રચાર કરવાની, ઉમેદવાર તથા નિમેલા એજન્ટ માટે, પક્ષના કાર્યકરો માટે વાહનની મંજૂરી, ચોપાનિયા, બેનર તથા ફલેગની મંજૂરી સહિતની વિવિધ ૧૮ પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ થકી આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાએ નાયબ કલેકટર-૧,કલેકટર કચેરી, ત્રીજો માળ,આણંદ ખાતે જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આવેલ મામલતદાર કચેરી ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેની મંજૂરી સંબંધિત મામલતદાર દ્વારા આપવામાં આવે છે.

        જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમની અમલવારી અર્થે વિધાનસભા વિસ્તાર મુજબ નોડલ ઓફિસરની નિમણુંક પણ કરવામાં આવે છે. જે મુજબ જિલ્લા નોડલ અધિકારી તરીકે નિલાંક્ષ મકવાણા,નાયબ કલેકટર-૧, આણંદની નિમણૂંક કરવામાં આવી છે. જે કલેક્ટર કચેરીના ત્રીજા માળે ઉપલબ્ધ રહેશે. જેમના દ્વારા હેલીપેડ, હેલીકોપ્ટર અને વીડિયોવાનની મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અન્ય વિધાનસભા મત વિસ્તાર તથા આણંદ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ મામલતદારને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરીને ૧૮ પ્રકારની પરવાનગીઓ એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે,ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કોઈપણ રાજકીય ઉમેદવાર “સુવિધા” એપ્લિકેશન થકી પણ માત્ર ૨૪ કલાકમાં જ ચૂંટણીલક્ષી પરવાનગીઓ ઓનલાઇન મેળવી શકાય છે.આ સિંગલ વિન્ડો સિસ્ટમની કામગીરી બે શિફ્ટમાં કાર્યરત રહેશે.જેમાં સવારના ૮:૦૦ થી બપોરના ૨:૦૦ તથા બપોરના ૨.૦૦ થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત રહેશે.આ ઉપરાંત પરવાનગી માગતા રાજકિય પક્ષ/ઉમેદવારોએ કાર્યક્રમના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલા અરજી કરવા જિલ્લાના સિંગલ વિન્ડો સિસ્ટમના નોડલ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment