હિન્દ ન્યુઝ, આણંદ
રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની (મહાનગરપાલિકા/નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત) સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. ત્યારથી આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી અન્વયે અમલી બનેલ આચારસંહિતામાં કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ, રાજકીય /બિનરાજકીય પક્ષોનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરી દરમિયાન સરકારી તથા બોર્ડ / નિગમ / કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે.
જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ કેટલાક હુકમ કર્યા છે. આ હુકમમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ વગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં. આવા વાહનોમાં હેલીકોપ્ટર, એરક્રાફટ, કાર, જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે.
સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના સાહસો, સંયુક્ત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, ખરીદ-વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ જાહેરનાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨૧-૦૨-૨૦૨૫ સુધી આણંદ જિલ્લાની ૦૩ (આંકલાવ, બોરીયાવી, ઓડ) નગરપાલિકાઓમાં સમાવિષ્ટ વિસ્તાર, ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નં.૦૪ અને ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉંદેલ-૨ની બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં લાગુ પડશે.