હિન્દ ન્યુઝ, જામનગર
જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ-૮-જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ-૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત તા.૧૬-૨-૨૦૨૫ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેચવામાં ન આવે તે જોવુ જરૂરી છે. રાજકિય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતુ નિવારવા માટે અને મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ તા.૧૬-૦૨-૨૦૨૫ ના રોજ નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
મતદાનના દિવસે નક્કી થયેલ મતદાન મથકના ર૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી કે ચૂંટણી પ્રકાર કે ચૂંટણી પ્રતીકો દર્શાવી શકશે નહિ. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ર૦૦ મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે ટેબલ અને ખુરશી રાખી શકશે. આવા મંડપને આડાશ લગાવી શકાશે નહી. મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણી સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતીકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતા મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહી.
મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂદ્ઘમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી, કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી. મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સબંધી હેતુ માટે મોબાઈલ ફોન, કોડલેસ ફોન જેવા વિજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહી. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીઓ તથા પોલીસ,એસઆરપી,હોમગાર્ડ,પેરામિલેટ્રી, ફોર્સના અધિકારી તથા જવાનોને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ -૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.