હિન્દ ન્યુઝ, જામનગર
મીલેટ (શ્રી અન્ન) જેવા કે જુવાર, બાજરી, રાગી, કાગ, ફટકી, સામો, -વગેરેના મહત્વ વિશે જાણકારી વધે તેમજ તેમાંથી બનતી વાનગીઓ વિશે જાગૃતતા આવે તે હેતુસર મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ- ૨૦૨૫નું આયોજન જામનગર શહેરમાં તારીખ ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ બે દિવસ સુધી સવારે ૯:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી કરવામાં આવશે. મહાનગર પાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેંટ પાર્ક પાસે આ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મિલેટની વાનગીઓ/પ્રોડક્ટનું પ્રદર્શન તેમજ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોની પ્રોડક્ટનું પ્રદર્શન, વેચાણ કરવા માટે 90 સ્ટોલ ,૧૫ સ્ટોલ જેમાં મિલેટમાથી બનતી મિલેટ ફ્રેન્કી, મિલેટ-પાણીપુરી, ભેલપૂરી, રાગી સુપ, જુવાર-બાજરા ઢેબરા, કટલેસ, પાનકેક, રાગી ઇડલી, બાજરા ખીચડી, રાજગરા સ્વીટ, કીનોવા સલાડ, જુવાર ચાટ, લીટલ મિલેટ બિસ્કીટ, મિલેટ પીઝા, મિલેટ દહિવડા, બાજરા રોટલા અને ઓળો જેવી અવનવી આરોગ્યપ્રદ વાનગીઓના લાઇવ ફુડ ઝોનનુ આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, મિલેટ એક્ઝિબિશન તેમજ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના નાગરિકો, ખેડુતોએ પરિવાર સાથે બહોળી સંખ્યામા મુલાકાત લેવા તાલીમ અને મુલાકાત યોજનાના મદદનીશ ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.