એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત

હિન્દ ન્યુઝ, ભાવનગર  

     ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

સરકારની દરેક સહાય યોજનાઓનો લાભ લેવા, ભવિષ્યમાં ખેડૂત તરીકેના પુરાવા માટે પણ આ ઓળખકાર્ડ ફરજિયાત જરૂરી છે. ભવિષ્યમાં ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસો પણ લઘુત્તમ ટેકાના ભાવે ભરાવવા, ખેડૂતોની જમીનમાં વાવેલા પાકોની ડીજીટલ નોંધણી (ડીજીટલ ક્રોપ સર્વે) કરાવવા માટે, કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા, ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારતોથી થતાં પાક નુકશાનીનું વળતર ચૂકવવાનું થશે તો પણ ખેડૂત ઓળખકાર્ડ હોવુ ફરજિયાત છે. 

જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ મેળવતા નથી પણ જિલ્લાના ખેડૂત ખાતેદાર છે તે તમામ ખેડૂતોએ પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. આગામી સમયમાં ખેડૂતો માટે વિવિધ કૃષિ વિષયક યોજનાના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર આસાનીથી અરજી કરી શકાય તે માટે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ખાસ અનિવાર્ય છે.

જે ખેડૂતોએ આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલ નહિ હોય તો હાલમાં મળતી પીએમ કિસાન સમાન નિધી યોજના હેઠળની રૂપિયા ૨૦૦૦/-ની સહાય પણ બંધ થઇ જશે.

ખેડૂતોએ જાતે ઘર બેઠા પોતાના મોબાઇલમાં મોબાઇલ એપ મારફતે, જે તે ગામના ગ્રામ પંચાયત કચેરી ખાતે બેસતા વીસીઇ પાસે અને નજીકના કોમન સર્વીસ સેન્ટર મારફતે તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવી જરૂરી છે. 

ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી કરાવવા જરૂરી ડોક્યુમેટ્સમાં આધાર કાર્ડ, આધારકાર્ડ લીંક હોય તેવો મોબાઇલ, જમીનના માલીકી હક્કના પુરાવા રૂપે ૮અ /૭-૧૨ની નકલ રાખવી. 

ખેડૂત જો હાલમાં પોતાના ગામે અથવા અન્ય જગ્યાએ રહેતા હોય તેઓ ગમે ત્યાં બેઠા પણ કરી શકશે. ખેડૂત પોતાના રહેઠાણના ગામમાં જમીન ધરાવતા હોય તેની માહિતી અને અન્ય કોઇ પણ ગામે જમીન ધરાવતા હોય તેની માહિતી જાહેર કરવાની થાય છે.

દરેક ગામના નાગરિકોએ પોતાના ખેડૂત હોવા અંગેના પુરાવા તરીકે પ્રસ્થાપિત કરવા સરકાર દ્વારા શરૂ કરેલ આ પહેલને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment