બગલિયા ગ્રામ પંચાયતમાં ‘પ્રોજેક્ટ હૃદય’ અંતર્ગત જળ સંરક્ષણને અગ્રતા આપતા રૂ.૧.૨૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતા જળ કુંડનું નિર્માણ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

   છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવતી બગલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જળ સંરક્ષણને વેગ આપવા અને ખેતી ક્ષેત્રે ટકાઉ વિકાસ સાધવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એલ.આઈ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) ના સીએસઆર (CSR) ઉપક્રમે અમલમાં મુકાયેલા ‘પ્રોજેક્ટ હૃદય’ અંતર્ગત દીપક ફાઉન્ડેશન દ્વારા બગલિયા ગ્રામ પંચાયતમાં તબક્કાવાર ૧,૨૫,૦૦૦ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા જળ કુંડનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય માટે જળ કુંડ અત્યંત ઉપયોગી સાબિત થશે. જળ સંચય થવાથી સ્થાનિક ખેડૂતોને ઉનાળાની મુશ્કેલ ઋતુમાં પણ સિંચાઈ માટે પર્યાપ્ત પ્રમાણમાં પાણી ઉપલબ્ધ રહેશે. જેના સીધા પરિણામે કૃષિ ઉત્પાદકતામાં વધારો થશે, પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટશે અને પાણીના ક્ષમતાપૂર્વકના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

દીપક ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ હૃદય’ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં કુદરતી સંસાધનોની જાળવણી, સુચારુ જળ વ્યવસ્થાપન, ટકાઉ ખેતી પદ્ધતિઓનો પ્રચાર-પ્રસાર તથા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના વિવિધ આયોજનો હાથ ધરાયા છે. વરસાદી પાણીનો સંગ્રહ કરતી આ પદ્ધતિ કૃષિ ક્ષેત્રને સશક્ત, સ્થિર અને આબોહવા પરિવર્તનના પડકારો સામે રક્ષણ આપવા માટે કારગર નીવડી રહી છે.

બગલિયા ગ્રામ પંચાયતના મહત્તમ ખેડૂતો આ સુવિધાનો લાભ મેળવી શકે તે માટે તબક્કાવાર નિર્માણ કાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫ જળ કુંડનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment