હિન્દ ન્યુઝ, ડાંગ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર તથા વિવિધ સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે દરરોજ અલગ અલગ થીમ આધારિત જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ઉત્સવ દરમિયાન મહિલાઓ અને બાળિકાઓની સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, નેતૃત્વ વિકાસ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને કાનૂની જાગૃતિ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
કાર્યક્રમની દિવસવાર રૂપરેખા મુજબ તા. ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૩ ઓગસ્ટે બેટી બચાવો–બેટી પઢાવો દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ તથા ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
દરેક દિવસે સંબંધિત વિષયને અનુરૂપ સેમિનાર, માર્ગદર્શન કાર્યક્રમો, આરોગ્ય કેમ્પ, કૌશલ્ય વિકાસ, મહિલા સન્માન, જાગૃતિ અભિયાન, સ્વરોજગાર માર્ગદર્શન, હેલ્પલાઇન અંગે માહિતી, કિશોરીઓ માટે વિશેષ કાર્યક્રમો તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાશે.
જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ તમામ સંબંધિત વિભાગોને નિર્ધારિત થીમ મુજબ કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા તેમજ દરરોજ યોજાનાર કાર્યક્રમોની માહિતી અને અહેવાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીને સમયસર મોકલવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાના તમામ મહિલાઓ, કિશોરીઓ, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા મંડળો તથા નાગરિકોને નારી વંદન ઉત્સવના વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી બની મહિલા સશક્તિકરણના આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામા આવી છે.
