હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઇ આધુનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. વાંસવા ગામ અને આસપાસના વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં પધારેલા ખેડૂતોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેનું મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી સી.જી.પટેલ દ્વારા સરકારની વિવિધ સહાયલક્ષી બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને ચાલુ વર્ષ દરમિયાન વધુમાં વધુ યોજનાઓનો લાભ લેવા તેમજ બાગાયત ક્ષેત્રમાં આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવી પોતાની આવક વધારવા વિશેષ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વૈજ્ઞાનિક ડૉ. ભક્તિ પાંચાલ તથા સુનિલભાઈ ત્રિવેદી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, તેના વિવિધ આયામો તેમજ પંચસ્તરીય મોડેલ ફાર્મ અંગે ખૂબ જ ઉપયોગી અને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાગાયત અધિકારીશ્રી પરીક્ષિતભાઈ પટેલ દ્વારા PMFME યોજના અંતર્ગત ઉપલબ્ધ સહાય, તેના લાભો તથા અરજી પ્રક્રિયા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા, જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યઓ, બાગાયત, આત્મા અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ તેમજ ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
