હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મુકામે રેયોન ફેકટરી, સુત્રાપાડા મુકામે જી.એચ.સી.એલ. અને સિધ્ધિ સિમેન્ટ ફેકટરી, કોડીનાર મુકામે અંબુજા ફેકટરી અને સ્યુગર ફેકટરી તથા તાલાલા મુકામે સ્યુગર ફેકટરી જેવા ઔદ્યોગીક એકમો આવેલા છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી નેશનલ હાઈવે નં.-૮(ઈ) પસાર થાય છે. જે રોડ ઉપર હાઈવે ઓથોરીટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામો ચાલુ હોય તથા અન્ય બાંધકામના કામોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજયોમાંથી મજુરો લાવી તેમનો મજુરી કામમાં ઉપયોગ કરવામાં આવે છે.
જે શ્રમિકો/કામદારોને રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોનો કોઈ પૂર્વ ઈતિહાસ, નાગરીકતા તથા ઓળખ કર્યા સિવાય રોજગારી આપી દેવામાં આવે તો તે દેશની આંતરીક સુરક્ષા માટે યોગ્ય અને ઈચ્છનીય નથી. જેથી સરકારશ્રી કક્ષાએથી પણ ઔદ્યોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત/અસંગઠીત શ્રમીકો/કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઈતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે વેરીફાઈ/ચોકકસાઈ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ આવેલ છે, આ સિવાય જિલ્લામાં પ્રવાસ-પર્યટનના તથા ધાર્મિક ઘણા સ્થળો આવેલા છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ/યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્લામાં આવેલ ઔદ્યોગીક એકમોમાં માણસો કામ ધંધા અર્થે આવે છે.
આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂઈએ ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત/અસંગઠીત શ્રમીકો/કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઈતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે સબંધિત પોલીસ સ્ટેશનએ વેરીફાઈ/ચોકકસાઈ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સરકારી કચેરી/અર્ધ સરકારી કચેરી/બોર્ડ/નિગમ/સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાને અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.
આ જાહેરનામુ તા. ૧૪/૦૯/૨૦૨૬થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
