હિન્દ ન્યુઝ, સુરત
- ૩૧મી ઓક્ટોબર ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસે સુરત જિલ્લાના માંડવી ખાતે નશા મુક્ત યુવા અભિયાન અંતર્ગત યુવાનોમાં ખેલકુદ પ્રત્યે જાગૃતિ આવે અને દેશ એકતા તથા નશામુક્તિના સંદેશ સાથે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ની થીમ પર રન ફોર યુનિટી મેરેથોન દોડ યોજાઈ હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ‘માય ભારત’ અને બીપીસીએલ તેમજ સ્થાનિક તંત્રના સહયોગ સાથે માંડવીના વલ્લભ વોર્ડ સ્થિત સરદાર પટેલની પ્રતિમાથી માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ સુધી મિની મેરેથોન દોડ યોજાઈ હતી.
આ અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંતીના પાવન અવસરે આયોજિત ‘રન ફોર યુનિટી’માં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશો જન-જન સુધી પહોંચાડ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાર્થક કરવા આ વર્ષે ‘તંદુરસ્ત યુવા અને નશા-મુક્ત ભારત’ના આશય સાથે આ દોડ યોજાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત, ફિટનેસ માટે દોડો, ડ્રગ્સ મુક્ત ભારત માટે દોડો’ના નારા સાથે યોજાયેલી આ મેરેથોનમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરજનો જોડાયા હતા. મેરેથોન બાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે દોડવીરો, યોગસાધકો-સહભાગીઓએ વિશેષ યોગ શિબિરમાં યોગાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ નશા મુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને વિવિધ ગેમ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીતાબેન રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ આતિશ ચૌધરી, મામલતદાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તથા ‘માય ભારત’ના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત નગરજનો સહભાગી બન્યા હતા.
